Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

હાપા રેલ્વે યાર્ડમાં મોટાપાયે વેગનો અને એન્જીનોના સમારકામનો ધમધમાટ

રાજકોટ, તા. ૨૮ :. રાષ્ટ્રની જીવન રેખા સમી માલગાડીઓના પૈડા લોકડાઉન દરમિયાન પણ દોડી રહ્યા છે. રાજકોટ રેલ્વેના મિકેનીકલ ડિવીઝનના કર્મચારીઓ પણ દિવસ-રાત માલગાડી અને એન્જીનોનો મેન્ટેનન્સ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. હાપા યાર્ડમાં જ ૨૪૦ જેટલા વેગનોનું મેન્ટેનન્સ હાલમાં થઈ રહ્યુ છે.  રાજકોટ ડિવીઝનના ડિવીઝનલ મિકેનિકલ એન્જીનીયર શ્રી એલ.એન. દેહમાએ જણાવ્યુ કે, હાપા ડેપોમાં દરરોજ ૬ માલગાડીઓના વેગનનો રાખરખાવ કરવામાં આવે છે. દરરોજ લગભગ ૨૪૦ વેગનો પાટા પર દોડતા રહે તે માટે મેન્ટેનન્સની કામગીરી કર્મચારીઓ કરી રહ્યા છે. જેમાં સ્પ્રીંગ બદલવી, પૈડા બદલવા, કપ્લર બદલવા, બ્રેક બ્લોક બદલવા સહિતની કામગીરીનો સમાવેશ થાય છે. તાજેતરમાં સાબરમતીનુ લોકો એન્જીન ખરાબ થઈ ગયુ હતુ. જેને હાપા યાર્ડમાં ૧૪૦ ટનની ક્ષમતાવાળી બ્રેક ડાઉન ક્રેઈન દ્વારા લીફટ કરી બન્ને બોગી ચેન્જ કરી ફરીથી ફીટ કરવામાં આવ્યુ હતું. હાપાના ટ્રીપ શેડની અંદર એન્જીનમાં ઓઈલ ભરવું, બ્રેક બ્લોક બદલવાનુ કામ થઈ રહ્યુ છે. હાપા અને વાંકાનેરમાં ડીઝલ એન્જીન લોકોમાં ડીઝલ ઓઈલ ભરવામાં આવી રહ્યુ છે. લોકો પાયલોટ અને તેમના સહાયકો દિવસ-રાત માલગાડીઓને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડવા ફરજ બજાવી રહ્યા છે. કોરોના સામે લડતા ફ્રન્ટ વોરીયર્સ પછી આવા કર્મચારીઓને બિરદાવવા પણ જરૂરી છે.

(4:12 pm IST)