Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ધોરાજી - ઉપલેટા - ભાયાવદર પંથકમાં લલિત વસોયા દ્વારા દરરોજ ૧૪ હજાર જરૂરિયાતમંદોને બન્ને ટાઇમ ભોજન

અખાત્રીજના દિવસે સંતોની ઉપસ્થિતીમાં ૧૭ હજાર લાડુનું વિતરણ

ધોરાજી,તા.૨૮: સૌરાષ્ટ્રની ભૂમિ એ સંતો સિધ્ધો અને શૂરાની ભૂમિ છે. આ ભૂમિ પર ધર્મ અને સેવા પરોપકારના કાર્યો અવિરત ચાલતા હોય છે ત્યારે હાલની વર્તમાન પરિસ્થિતિમાં લોક ડાઉન વચ્ચે ગરીબ, મજુર, નિરાધાર, અસહાય અને જરૂરીયાતમંદો દરિદ્ર નારાયણની જઠરાગ્નિને તૃપ્ત કરવા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા માનવસેવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

ધારાસભ્ય સાથે દિનેશ ટોપિયા, મનોજ રાઠોડ, અરવિંદ વોરા સહિત મિત્રો દ્વારા ધોરાજી, ઉપલેટા અને ભાયાવદરમાં ૧૪,૦૦૦ જેટલા જરૂરિયાતમંદ સુધી દરરોજ બપોરે અને સાંજે ભોજન સેવાયજ્ઞ ચાલી રહ્યો છે.ધોરાજી, ઉપલેટા, ભાયાવદર ખાતે દરરોજ બપોરે શાક, રોટલી,ભાત અને સાંજે ખીચડી સહીત વિવિધ ગરમ ભોજન બન્ને ટાઈમ અપાઈ રહ્યું છે.જે તમામ દરિદ્ર નારાયણ ના ઘર સુધી કોઈપણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના માનવસેવા એ જ પ્રભુસેવાના મૂલ્યો વચ્ચે આ ભગીરથ કાર્ય ઘણા દિવસોથી ચાલે છે.

હિન્દૂ ધર્મના પવિત્ર દિવસ અખાત્રીજના દિવસે સાધુ સંતોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ૧૪૦૦૦ લોકોને દ્રાયફ્રુટ સાથે શુદ્ઘ ઘી ના ૧૭,૦૦૦લાડુ  બનાવવામાં આવ્યા હતા.

તોરણીયા નકલંક ધામના મહંત રાજેન્દ્ર દાસબાપુ, મોટા દુધીવદરના ચંદ્રચેતન્ય સ્વામી,મધુસૂદન દાસબાપુ, હનુમાન વાડી ધોરાજીના રામદાસબાપુ અને ખીરસરા ગુરુકુલ સ્વામિનારાયણ સંપ્રદાયના નારાયણ સ્વામી વિગેરે સંતોની હાજરીમાં મંગલ શ્લોકગાન સાથે અન્નદેવતાનું પૂજન કર્યા બાદ ૧૪,૦૦૦ લોકો સુધી લાડુ, શાક, રોટલી ભાત સાથે ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ સંતોએ સમગ્ર વિશ્વમાંથી મહામારી દૂર થાય તેવી પ્રાર્થના સાથે ધારાસભ્ય લલિત વસોયા અને સમગ્ર કાર્યકર્તાઓને આશિષ પાઠવી બિરદાવ્યા હતા. આ રીતે ધોરાજીમાં પરશુરામ જયંતિ તેમજ અખાત્રીજ બંને ઉત્સવ ધારાસભ્ય લલીતભાઈ વસોયાની હાજરીમાં તેમજ સંતો મહંતોની હાજરી સાથે આશીર્વાદ સાથે ગરીબો માટે સેવાયજ્ઞ કર્યો હતો.

(12:57 pm IST)