Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

જેતપુરમાં પિતાએ પુત્રની હત્યા કરી લાશ કારખાનામાં દાટી દીધી

મેહુલ (ઉ.વ. ૨૭) દારૂ પી છાશવારે ઘરમાં ડખ્ખા કરતો હોય પિતા રામજીભાઈ ડાભીએ કંટાળી જઈ ઢીમ ઢાળી દીધુઃ દાટી દેવાયેલ લાશને બહાર કઢાઈઃ આરોપી પિતા પોલીસના સકંજામાં : એ.સી.પી. સાગર બાગમાર, ડે. કલેકટર રાજેશ આલ તથા સીટી પીઆઈ વી.કે. પટેલ સહિતનો પોલીસ સ્ટાફના કાફલાની હાજરીમાં લાશને બહાર કઢાઈ

તસ્વીરમાં હત્યા કરી લાશ દાટી દેવાઈ હતી તે કારખાનુ નજરે પડે છે (તસ્વીરઃ કેતન ઓઝા-જેતપુર)

જેતપુર, તા. ૨૮ :. જેતપુરમાં પિતાએ પુત્રની હત્યા કરી લાશ કારખાનામાં દાટી દીધાનો બનાવ પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરના ભોજાધાર વિસ્તારમાં રહેતા રામજીભાઈ ડાભીએ તેના પુત્ર મેહુલ (ઉ.વ.૨૭)ની હત્યા કરી લાશ દાટી દીધાની હકીકત મળતા જેતપુરના એસીપી સાગર બાગમાર અને જેતપુરના પીઆઈ વી.કે. પટેલ સહિતના સ્ટાફે રામજી ડાભીને દબોચી લઈ પૂછતાછ કરતા તેણે તેના પુત્રની હત્યા કરી લાશ દાટી દીધાની કબુલાત આપતા પોલીસ ચોંકી ઉઠી હતી.

હત્યા કરનાર પિતા રામજી ડાભીની કેફીયતના આધારે જેતપુરના એસીપી સાગર બાગમાર સહિતનો સ્ટાફ જ્યાં લાશ દાટી દેવાયેલ હતી તે સામા કાંઠા જનકલ્યાણ વિસ્તારમાં આવેલ કારખાનામાં દોડી ગઈ હતી અને ત્યાં તપાસ કરતા દાટી દેવાયેલ લાશ મળી આવતા ડે. કલેકટર રાજેશ આલ અને જેતપુર મામલતદારને મેસેજ કરતા તેઓની હાજરીમા હત્યાનો ભોગ બનનાર મેહુલ ડાભીની લાશ બહાર કાઢી પી.એમ. માટે ખસેડવા તજવીજ હાથ ધરાયેલ છે.

આ અંગે જેતપુરના એસીપી સાગર બાગબારનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યુ હતુ કે ભોજાધાર વિસ્તારમાં રહેતા રામજીભાઈ ડાભી તેના પુત્ર મેહુલ (ઉ.વ. ૨૭)ની દારૂ પી ધમાલ કરવાના ત્રાસથી કંટાળી ગયા હતા. દારૂડીયો પુત્ર મેહુલ દારૂ પી છાશવારે ઘરમાં ડખ્ખા કરતો હોય પિતા રામજીભાઈ ડાભીએ ત્રાસી જઈ તેનુ ઢીમ ઢાળી દીધુ હતુ અને બાદમાં પુત્રની લાશને પોતે જે કારખાનામા નોકરી કરે છે તે કારખાનામાં દાટી દીધી હતી.

હત્યા કરનાર રામજીભાઈ ડાભી અને તેના બન્ને પુત્રો સાડી યુનિટમાં કામ કરે છે. મૃતક મેહુલ કયાંય નજરે ન પડતા અને કારખાનામા દાટી દેવાયેલ લાશની દુર્ગંધ આવતા અન્ય કર્મચારીઓને શંકા જતા પોલીસને જાણ કરતા હત્યાના બનાવ પરથી પડદો ઉંચકાયો હતો. ત્રણેય પિતા-પુત્ર જ્યાં કામ કરે છે તે જ કારખાનામાં રામજીભાઈ ડાભીએ તેના પુત્રની હત્યા કર્યા બાદ લાશ દાટી દીધી હતી. પુત્રની હત્યા કરનાર રામજી ડાભીને પોલીસે દબોચી લઈ વિશેષ પૂછતાછ હાથ ધરી છે. આ બનાવે જેતપુર પંથકમાં ભારે ચકચાર જગાડી છે.

(12:54 pm IST)