Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કચ્છની શું પરિસ્થિતિ છે? લોકડાઉન પછી શું કરવું જોઈએ? નરેન્દ્રભાઈ વતી પુરૂષોત્તમ રૂપાલાએ કર્યો ફોન

ડીએચઓ ડો. કન્નરને ફોન કરી કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કોરોના સંદર્ભે સૂચનો જાણ્યા, લોકડાઉન બાદ હોટસ્પોટ અને અન્ય સ્થળોએથી આવનારાઓ સામે સાવચેતી અંગેના સૂઝાવને આપ્યું સમર્થન

ભુજ,તા.૨૮ :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત સમગ્ર દેશમાં ફોન દ્વારા સંપર્કમાં રહીને કોરોના વિશેની જાણકારી મેળવી વર્તમાન પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે. ત્યારે કચ્છની પરિસ્થિતિ વિશે પણ નરેન્દ્રભાઇ ચિંતા સેવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ વતી કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરને ગઈકાલે સાંજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ફોન કર્યો હતો.

આ ટેલિફોનિક વાતચીત દરમ્યાન શ્રી રૂપાલાએ પોતે નરેન્દ્રભાઇ વતી ફોન કરી રહ્યા હોવાનું જણાવી ડો. કન્નરને કચ્છની કોરોનાની પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી ઝીણવટભરી જાણકારી મેળવી હતી. કચ્છમાં કોરોનાની પરિસ્થિતિ અંકુશ હેઠળ હોવાનું જાણી મંત્રી રૂપાલાએ રાજય સરકાર અને સમગ્ર વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી હતી. તો, લોકોની જાગૃતિ સંદર્ભે પણ રાજીપો વ્યકત કર્યો હતો. જોકે, મંત્રી રૂપાલાએ લોકડાઉન હટાવ્યા પછી શું કરવું જોઈએ? તે અંગે વિશેષ પૂછપરછ કરી કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કન્નર પાસે સૂચનો માંગ્યા હતા. જેમાં ડો. કન્નરે જણાવ્યું હતું કે, કચ્છનું તંત્ર સરકારનો જે કઈ પણ નિર્ણય હોય તેની સાથે કદમ મેળવવા તૈયાર છે. પણ, જો લોકડાઉન હટે તો જાગૃતિ માટે ડો. કન્નરે બે મહત્વના સૂચનો કર્યા હતા.

જો, હોટસ્પોટ વિસ્તારમાંથી કોઈ પણ નાગરિક આવે તો તેમને ફરજીયાત ઇન્સ્ટિટ્યુટમાં કવોરેન્ટાઈન કરવા અને તે સિવાયના અન્ય વિસ્તારમાંથી કોઈ નાગરિક આવે તો તેમને ફરજીયાત હોમ કવોરેન્ટાઈન કરવા જોઈએ. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ડો કન્નરના બન્ને સૂચનોને સંમતિ આપી હતી.

(11:46 am IST)