Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ભુજમાં બે દિ' અવઢવ પછી ખુલેલી બજારો બંધ કરાવી તંત્રએ અંતે વ્યાપારીઓ સાથે યોજી બેઠક

મુન્દ્રા, નખત્રાણામાં પણ એવો જ તાલ, એક માત્ર અંજાર ગાંધીધામમાં સ્થાનિક તંત્ર એલર્ટ

ભુજ,તા.૨૮: લોકડાઉનને હળવો કરવાના પ્રયાસ રૂપે કચ્છમાં કલેકટર દ્વારા દુકાનો ખોલવાના જાહેરનામાએ છેલ્લા અઢી દિવસથી ભારે અવઢવ સર્જી હતી. પહેલા દુકાનો ખોલવાના ટાઇમની બાબતમાં અટવાયેલા સ્થાનિક તંત્રએ મોડે મોડે એ ગૂંચ દૂર તો કરી પણ પછી વ્યાપારીઓ કઈ કઈ દુકાનો ખુલી શકે અને કઈ કઈ દુકાનો ન ખુલી શકે તેની અવઢવમાં અટવાયા હતા. જે દરમ્યાન અંજારના નાયબ કલેકટર અને ગાંધીધામ ચેમ્બરે સાથે મળીને અર્થદ્યટન બાબતે વ્યાપારીઓને સમજાવતા રિટેઇલ બજારના વ્યાપારીઓ અને કોમર્શિયલ કોમ્પ્લેકસના વ્યાપારીઓએ ૩ જી તારીખ સુધી દુકાનો બંધ રાખવાનું નક્કી કર્યું હતું. એવું જ અંજારના વ્યાપારીઓએ કર્યું હતું. જોકે, મુશ્કેલી મુન્દ્રા, નખત્રાણા અને જિલ્લા મથક ભુજમાં સર્જાઈ હતી. સતત વાહનોના અને અન્ય જરૂરી નિર્ણયો માટેના જાહેરનામાઓ કાઢવામાં વ્યસ્ત તંત્રએ વ્યાપારીઓની અવઢવ દૂર કરવા ન બેઠક યોજી, કે ન મીડીયા સાથે પ્રેસ કોંફરન્સ યોજી પરિણામે વ્યાપારીઓએ બજારમાં આવીને દુકાનો ખોલી. સતત લોકડાઉનના કારણે આર્થિક ચિંતાથી ગ્રસ્ત વ્યાપરીઓએ દુકાનો ખોલ્યા બાદ ગઈકાલે સવારે સતત પોલીસ જીપો અને દ્યોડેસવાર પોલીસે બજારમાં ફરી દુકાનો બંધ કરાવી. અંતે કલેકટરે ભુજ ચેમ્બર સાથે બેઠક યોજી, જાહેરનામા વિશે છણાવટ કરી અને જાહેરનામા અનુસારની દુકાનો ૩ તારીખ સુધી બંધ રાખવા જણાવ્યું. એ જ રીતે મુન્દ્રા અને નખત્રાણામાં બે દિવસની અવઢવઙ્ગ પછી વ્યાપારીઓને સમજ આપીને ૩ તારીખ પછી દુકાનો ખોલવા સૌ સમંત થયા. કોરોના સામે લોકડાઉન દરમ્યાન બધા જ સહયોગી બન્યા છે, તંત્રની કામગીરી પણ સારી છે. પરંતુ, જયારે અવઢવ થાય, આ વિશે મીડીયા ધ્યાન દોરેઙ્ગ ત્યારે પણ તાત્કાલિક કુનેહપૂર્વક રસ્તો પણ શોધવો જોઈએ. જેથી સરકાર, તંત્ર અને લોકો વચ્ચેનું સંકલન અને સમન્વય જળવાઈ રહે.

(11:44 am IST)