Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

જુનાગઢમાં આયુર્વેદ ઉકાળાના પેકેટનું વિતરણઃ દવાખાનામાંથી નિઃશુલ્ક મળશે

ઉકાળાના પેકેટમાં દશમુલ, પથ્યાદિ કવાથ અને ત્રિકટુ ચૂર્ણઃ ડો.કોરડીયા- ડો.અગ્રવાત

રાજકોટઃ હાલમાં પ્રવર્તતી કોવિડ - ૧૯ની પરિસ્થિતિમાં ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા કોવિડ - ૧૯થી બચવા માટે ખાસ રોગપ્રતિકારક શકિતવર્ધક ગાઈડલાઇન જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી, આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન આયુર્વેદ ઔષધોનું વિતરણ કરવામાં આવી રહેલ છે.

જે અન્વયે જુનાગઢ શહેરમાં નોબલ આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ - બામણગામ, જૂનાગઢ અને બી.એ.એમ.એસ. પ્રેકટીશનર્સ એસોસીએશન જૂનાગઢના સહકારથી, જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના માર્ગદર્શન હેઠળ લગભગ ૪ હજાર જેટલા આયુર્વેદ ઉકાળાના પેકેટ બનાવીને તેનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉકાળાના પેકેટ સમગ્ર જૂનાગઢમાં જનરલ પ્રેકટીશનર તબીબોના દવાખાનેથી વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે. આ પૂર્વે ૫૦૦ જેટલા ઉકાળાના પેકેટનું વિતરણ લાયન મેડિકલ સ્ટોર કાળવા ચોક ખાતેથી કરવામાં આવેલ હતું.

નોબલ આયુર્વેદ કોલેજના પ્રીન્સીપાલ ડો. કે. એલ. કોરડીયા અને પ્રેકટીશનર્સ એસોસીએશનના પ્રમુખ ડો. પી, આર. અગ્રાવત જણાવે છે કે આ આયુર્વેદ ઉકાળાના પેકેટમાં સરકારની ગાઈડલાઇન અનુસાર દશમૂલ તથા પથ્યાદિ કવાથ અને ત્રિકટુ ચૂર્ણ ઉમેરવામાં આવેલ છે, અને લોકોને ઉકાળો બનાવવા માટે માર્ગદર્શન મળી રહે તે માટે ઉકાળો બનાવવાની રીત અને ઉકાળાનો ડોઝ દરેક પેકેટ સાથે સામેલ રાખવામાં આવેલ છે, જેથી લોકો ઘરે તાજો ઉકાળો બનાવી ઉપયોગ કરી શકે. જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.મહેશ વારાએ વિશેષ જણાવેલ કે અત્યાર સુધીમાં આ રોગપ્રતિકારક શકિતવર્ધક આયુર્વેદ અને હોમીયોપથી દવા વિતરણનો સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તાર સહિત લગભગ ત્રણ લાખ કરતાં વધુ જનતાએ લાભ લીધેલ છે. તથા સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ જૂનાગઢ દ્વારા સમગ્ર જૂનાગઢ શહેરમાં વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ પરના સ્ટાફને તથા તેમના પરિવાર માટે ઉકાળા વિતરણ કરવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

(11:42 am IST)