Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

સોમનાથની રેફરલ હોસ્પિટલનો ગાયનેક વિભાગ પ્રસુતા મહિલાઓ માટે બન્યો આશિર્વાદરૂપ

વેરાવળની સિવિલ હોસ્પિટલને કોવીડ-૧૯ જાહેર કરાતા સોમનાથમાં ગાયનેક વિભાગ કાર્યરત : ૧ માસમાં ૧૪૦ ડીલેવરી, ૪પ સીઝેરીયન, ર૦ નાના મોટા ઓપરેશન સહીત ૩૦૦ દર્દીને ઇમરજન્સી સારવાર અપાઇ : ડો. સહિત ૬ સ્ટાફ નર્સે એક મહિનાથી હોસ્પિટલનેજ ઘર બનાવી : દર્દી દેવો ભવનું સુત્ર અપનાવી ઘેર ગયાજ નથી

પ્રભાસ પાટણ તા.ર૮: સમગ્ર વિશ્વ કોરોના વાયરસ મહામારીમાં સપડાયું છે ત્યારે વેરાવળની સીવીલ હોસ્પિટલને કોવિદ-૧૯ કેર સેન્ટર તા.ર૬ માર્ચથી બનાવવામાં આવ્યું જેને કારણે દુરંદેશી અને સાવચેતીના ભાગરૂપે સંકુલમાનો ગાયકલોનોજીક વિભાગ સોમનાથ પ્રભાસ-પાટણ ખાતે સ્થળાંતર કરાયો.

સોમનાથ ખાતે રેફરલ હોસ્પિટલમાં તાબડતોબ વ્યવસ્થાઓ સાથે કાર્યરત થયેલ આ હોસ્પિટલના ગાયનક સર્જન ડોકટર રવિસિંહ ઝાલા કહે છે કે હું તથા ૬ સ્ટાફ નર્સ સહિત આ હોસ્પિટલ ખાતે એક માસમાં ૧૪૦ જેટલા ડીલીવરી કેસ, ૪પ સીઝીરીયન, ર૦ નાના-મોટા ઓપરેશન, ૩૦૦ જેટલા ઇમરજન્સી એડમીટ દરદીઓને સારવાર આપેલ છે.હું તથા મારો સ્ટાફ એક મહિનાથી ઘર છોડયું તે છોડયું બધા જ અહીં હોસ્પિટલના ત્રીજા માળે રૂમ રાખી ઘર જેવું જ બનાવી લીધું છે. જેથી દરદીને ગમે ત્યારે જરૂર પડયે સારવાર કરી શકાય. અમારા સૌનું લક્ષ્ય છે દરદી દેવો ભવ, જેથી કામમાં કંટાળો આવતો જ નથી અને કોરોના સામેના પડકારમાં કદાચ હજુ વધુ દિવસો ઘર છોડી અહીં રહેવું પડે તો પણ અમારો જુસ્સો ઘટવાનો નથીજ કારણ કે અમોને ખબર છે કે દરદી અહીં કોઇ આશાઓ લઇને જ આવતા હોય છે.

ડો. રવિસિંહ ઝાલા કહે છે કે લોકડાઉનને કારણે મોટાભાગના ખાનગી દવાખાનાઓ બંધ છે અને સર્ગભા મહિલાઓને લાવવા-લઇ જવા વાહન વ્યવહાર બંધ છે જયારે અહીં સરકારી વ્યવસ્થા અને વિશ્વાપાત્ર વ્યવસ્થા હોવાથી આસપાસના વિસ્તારના અનેક દરદીઓ અત્રે આવે છે.

અમારે મન ઘર પછી રાષ્ટ્રસેવા - દરદીને ટાણે ઉપયોગી થવું પ્રથમ એ જ અગ્રતા છે. આવી સુંદર ટ્રીટમેન્ટને કારણે જ લોકો ડોકટરો-નર્સો-સર્જનોને સફેદ કપડાં પહેરીને જાણે ભગવાન જ આવ્યા હોય તેવી અનુભૂતિ અનુભવે તે યોગ્ય જ છે.

(11:40 am IST)