Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કેન્સર હોવા છતાં જુનાગઢમાં લોકોની સુરક્ષા માટે જમાદાર રઝાકબિન આરબ ફરજ પર

ભયંકર બિમારીની પરવા કર્યા વગર ૧૮ કલાક ડયુટી બજાવે છે

જુનાગઢ, તા. ર૮ : કેન્સર હોવા છતાં જુનાગઢમાં લોકડાઉનને લઇ પોલીસ જમાદાર રઝાકબિન આરબ ૧૮ કલાક ડયુટી બજાવી લોકોની સુરક્ષા કરી રહ્યા છે.

કોરોના મહામારીમાં વિશ્વના મોટા ભાગના દેશો ફસાયા છે. ભારતમાં આ મહામારીના સામના માટે લોકડાઉન છે. સ્વસ્થતા માટે લોકોને ઘરમાં રહી લોકડાઉનનું પાલન કરવા અનુરોધ કરાયો છે.

લોકડાઉનની વિષમ સ્થિતિમાં ધોમધખતા તાપ વચ્ચે પણ પોલીસ કર્મીઓ સહિતના જવાનો સતત ખડેપગે રહીને લોકોની સુરક્ષા માટે ફરજ બજાવી રહ્યાં છે.

ત્યારે જુનાગઢ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ જમાદાર રઝાકબિન સૈયદભાઇ આરબ (ઉ.વ.૪૭) પોતાને કેન્સર હોવા છતાં ૧૮ કલાક ડયુટી બજાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢમાં બી-ડીવીઝન પોલીસ લાઇનમાં રહેતા હેડ કોન્સ્ટેબલ રઝાકબિન આરબે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ છે કે તેમણે અઢી વર્ષ અગાઉ કેન્સર થયેલ. ડાબા ઝડબાના કેન્સરની સર્જરી કરાવેલ, પરંતુ અત્યારે લોકડાઉનની સ્થિતિ હોય દેશ સેવાને ધર્મ માની લોકોની સુરક્ષા માટે ફરજ બજાવી રહ્યો છું.

બે દિકરીના પિતા રઝાકબિન આરબ અમદાવાદ ખાતે ૧૪ વર્ષ ફરજ બજાવી ચૂકયા છે અને હાલ જુનાગઢ આઠ વર્ષથી ફરજ બજાવતા રઝાકબિન આરબ અત્યારે જુનાગઢના જગમાલ ચોક પોઇન્ટ ઉપર તૈનાત છે.

ભયંકર બિમારીની પરવા કર્યા વગર તેઓ દેશ સેવા માટે સવારે ૮થી ૧ર અને બાદમાં રાતના ૮થી સવારના ૮ સુધી એમ કુલ ૧૮ કલાક ડયુટી બજાવી રહ્યા છે.

કેન્સરગ્રસ્ત રઝાકબિન આરબની દેશ સેવાને સલામ છે. તેઓની ફરજ નિષ્ઠાને લોકો બિરદાવી રહ્યા છે.

(11:40 am IST)