Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

લોકડાઉનમાં પુત્ર રોહિતને નવો મોબાઇલ ફોન લેવો હતોઃ ઝઘડો થતાં પિતા રામદાસ ઝેર પી આપઘાત

મોરબીના કડીયાણા ગામનો બનાવઃ મુળ દાહોદ પંથકના રહેવાસીએ ઝેર પી લીધું: રાજકોટ હોસ્પિટલમાં મોત

રાજકોટ તા. ૨૮: કોરાનાને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે મોરબીના કડીયાણા ગામે રહેતાં મુળ દાહોદ પંથકના સગીરને નવો મોબાઇલ ફોન લેવો હોઇ હાલમાં ફોન ન મળે તે બાબતે તેના પિતાએ સમજાવતાં બંને વચ્ચે માથાકુટ થતાં પિતાને માઠુ લાગી જતાં ઝેર પી આપઘાત કરી લીધાનો બનાવ બનતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ કડીયાણા ગામે ઘેલાભાઇ છેલાભાઇ ભરવાડની વાડીમાં રહી મજૂરી કરતાં દાહોદના રામદાસભાઇ ત્રિભુવનભાઇ નાયક (ઉ.૩૮)એ ૨૬મીએ સવારે નવેક વાગ્યે ઝેરી દવા પી લેતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન ગત સાંજે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર મુળ દાહોદ પંથકના હતાં અને કેટલાક સમયથી પરિવારજનો સાથે કડીયાણા રહી ખેત મજૂરી કરતાં હતાં. વાડી માલિકના કહેવા મુજબ રામદાસભાઇના રોહિત નામના પુત્રને નવો મોબાઇલ ફોન લેવો હતો. પિતા રામદાસભાઇએ તેને લોકડાઉન ખુલે પછી વ્યવસ્થા કરી દેશે તેમ કહેતાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. એ પછી પિતાએ ઝેરી દવા પી લીધી હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

(11:37 am IST)