Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

આદિ શંકરાચાર્યજીનો જન્મોત્સવ : દ્વારકા શારદાપીઠમાં કોરોનામુકિત માટે પ્રાર્થના

તેઓએ ૮ વર્ષની વયે તો ચારેય વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધુ હતું : ૧ર વર્ષે શાસ્ત્રોના જાણકાર બની ગયા હતા

રાજકોટ, તા. ર૮ : આજે આદિ શંકરાચાર્યજીનો જન્મોત્સવ છે. દ્વારકા શારદાપીઠમાં આજે ઉજવણી કરવામાં આવી હતી અને કોરોના મુકિત માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

સનાતન વૈદિક ધર્મની અખંડિતા માટે કાર્યરત રહેલા આદિ શંકરાચાર્યજીના જન્મોત્સવ નિમિત્તે વર્તમાન વૈશ્વિક કોરોના મહામારીને પગલે થયેલા લોકડાઉનને કારણે દ્વારકા-શારદાપીઠ ખાતે તથા અમદાવાદમાં અદ્વૈત આશ્રમ, ગાંધીબ્રિજ ખાતે સોશીયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને માત્ર પૂજારી દ્વારા જ પૂજન થશે. સાથે જ કોરોના પ્રકોપમાંથી રાહત મળે તે માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી.

દ્વારકા-શારદાપીઠના બ્રહ્મચારી પૂજન નારાયણાનંદજી જણાવ્યું કે ગુજરાતમાં શારદાપીઠ-દ્વારકાની સ્થાપના સ્વયં આદિ શંકરાચાર્જીએ કરી છે. આ દિવસે દ્વારા-શારદાપીઠ અને જયોતિપીઠાધીશ્વર, જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીની પ્રેરણા મુજબ શારદાપીઠ ડિસ્ટન્સિંગ સાથે માત્ર આશ્રમના પુજારી જ સવારે ૧૦-૩૦ વાગ્યે આદિ શંકરાચાર્યજીની પ્રતિમા સમક્ષ પૂજન બાદ શિખર પર નવી ધજા ચઢાવવામાં આવી હતી. એ જ રીતે શહેરના આદ્વૈત આશ્રમ ખાતે પણ આદિ શંકરાચાર્યાજી અને તેઓના ચાર શિષ્યોની પ્રતિમા, ચંદ્રમૌલેશ્વર મહાદેવનું પૂજન થયું હતું. તેમણે જણાવ્યું કે, ભારતીય પરંપરાના સંરક્ષણ માટે આદિ શંકરાચાર્યજીનું પ્રદાન ખૂબ જ મહત્વનું રહ્યું છે. સાથે જ ચાર દિશામાં ચાર મઠની સ્થાપના કરીને વૈદિક જ્ઞાનના પ્રસાર માટેની વ્યવસ્થા કરી આપી હતી. આદિ શંકરાચાર્યજીએ માત્ર ૩ર વર્ષની વયમાં જ વિરાટ કાર્ય કર્યું હતું. માત્ર આઠ વર્ષની વયે તો ચારેય વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. બાર વર્ષે બધા જ શાસ્ત્રોના જાણકારી બની ગયા હતા઼ અને માત્રને માત્ર સોળ વર્ષની વયે શાસ્ત્રો ઉપર ભાષ્યની રચના કરી હતી. ખાસ કરીને ભારતીય પરંપરાને પ્રતિષ્ઠિત કરીને પાખંડતાને ફગાવી દીધી હતી.

(11:33 am IST)