Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

મોરબી ભૂતકાળમાં આપત્તિઓમાંથી ફિનિકસ પક્ષીની જેમ ખમીર અને સાહસથી ફરી બેઠું થયું છે : વિજયભાઇ રૂપાણી

વિજયભાઇએ મોરબીવાસીઓને કોરોના મુકત થવા બદલ ફેસબુકના માધ્યમથી શુભેચ્છા પાઠવી : કોરોનાની મહામારી : ઉપર નિયંત્રણ લાવ્યા બાદ વેપાર - ઉદ્યોગોને પુનઃ ધમધમતા કરવા રાજ્ય સરકાર તમામ રીતે મદદરૂપ થશે

 મોરબી તા. ૨૮ : મોરબીમાં રવિવારે સાંજે કોરોના પોઝીટીવ દર્દીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર બાદ રિપોર્ટ નેગેટીવ આવતા સમગ્ર મોરબી જિલ્લા હવે કોરોના મુકત થયો છે ત્યારે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ફેસબુક લાઇવના માધ્યમથી મોરબીના સ્થાનિક પત્રકાર દિલીપભાઇ બરાસરા સાથેની વાતચીતમાં મોરબી જિલ્લો કોરોના મુકત થતાં મોરબીવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રી એ ફેસબુકના માધ્યમથી લાઇવ વાતચીતમાં મોરબીવાસીઓને સંદેશો પાઠવતાં જણાવ્યું હતું કે, મોરબીના લોકો સાથે વાત કરવાનો મોકો મળ્યો તેનો આનંદ છે. મોરબી જિલ્લાના એક માત્ર કોરોનાના દર્દી પણ સાજા થઈ ગયા છે અને મોરબી જિલ્લો કોરોનામુકત બન્યો છે, તે બદલ મોરબી જિલ્લાને અભિનંદન પાઠવું છું.

મુખ્યમંત્રી વિજયભાઈએ વધુમાં કહ્યું કે મોરબી સિરામિક અને ઘડિયાળ સહિતના સેલ્ફ ડેવલપ થયેલા ઉદ્યોગોથી વિશ્વવિખ્યાત બન્યું છે. ભૂતકાળ માં મચ્છુ જળ હોનારત જેવી કપરી સ્થિતિમાંથી બહાર આવીને મોરબી ફિનિકસ પક્ષીની જેમ પોતાના ખમીર અને સાહસના કારણે ફરી બેઠું થયું છે.

મોરબીનો સિરામિક ઉદ્યોગ ચાઇનાને ટક્કર મારી રહ્યો છે. મોરબીથી પણ ચાઇના માલ એકસપોર્ટ થવા લાગ્યો છે એ ગૌરવની બાબત છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ મોરબી જળ હોનારત વખતે તેમણે કરેલા સેવા કાર્યોને વાગોળતા જણાવ્યું કે જળ હોનારત વખતે હું ત્રણ મહિના મોરબી રાહત કામમાં રોકાયો હતો. જે રાહત કામનું મારુ પ્રથમ પગથિયું હતું.

કોરોના વિશે વાત કરતાં તેમણે મોરબીવાસીઓને સંબોધતાં જણાવ્યું કે કોરોના વૈશ્વિક મહામારી છે. તે એક એવો રોગ છે જેની રસી હજુ શોધાઈ નથી તેથી સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક પહેરવું, જરૂર પૂરતું જ બહાર નીકળવું. અફવાઓથી દૂર રહેવા પણ મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સંવાદમાં સીરામીકના મજૂરો વતનમાં જવાની જીદ ન કરે તે માટે સમજાવવા તેમજ વારાફરતી ૧૫ થી ૨૦ ટકાની મર્યાદામાં વતનમાં જવા માટે મદદરૂપ થવા જણાવ્યુ હતું. જયારે કોરોના માટે જરૂરિયાતમંદો માટે કામ કરતી સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેઓ સેવાની સુવાસ સતત ફેલાવતા રહે તેવી આશા વ્યકત કરી હતી. વેપાર ઉદ્યોગને પુનઃ ધમધમતા કરવા રાજય સરકાર તમામ પ્રકારે મદદરૂપ બનશે તેવું મુખ્યમંત્રીશ્રીએ આશ્વાસન પણ આપ્યું હતું.

આ લાઈવ સંવાદમાં સંગઠનના અગ્રણી પ્રદીપભાઇ વાળા, સીરામિક એસોસિએશનના પ્રમુખ નિલેષભાઈ જેતપરિયા, કલોક એસોસિએશનના પ્રમુખ શશિકાંતભાઈ દંગી, યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઇ રબારી પણ આ સંવાદમાં જોડાયા હતા.

(10:42 am IST)