Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

લોકડાઉનનો કડક અમલ કરાવવા અને જરૂરી કામ વગર બહાર નીકળનાર સામે ફરીયાદ નોંધવા કલેકટરનો આદેશ

કેશોદની બજારમાં લોકડાઉનનો અમલ નહી થતાં હોવાના વરવા દ્રશ્યોઃ જરૂરી કામ સિવાય બહાર નિકળનાર સામે ફરિયાદ-કાર્યવાહી થશે

કેશોદ, તા.૨૮: કેશોદની બજારમાં ગઈકાલે જીવન જરૂરીયાતની વસ્તુઓની ખરીદી માટે નીકળેલ લોકોની લોકડાઉનનો અમલ કરવાના બદલે બજારમા લોકોના ભીડના વરવા દશ્યો સાથેનો અહેવાલ ઇલેટ્રોનિક મિડીયામા પ્રસિધ્ધ થતા આના પડઘા ગાંધીનગર સુધી પડતા તંત્ર સફાળુ જાગેલ હતુ.

કેશોદમાં લોકડાઉનનુ પાલન થતુ ન હોવાની ગંભીર નોંધ લઈ ગઈકાલે લોકડાઉનમાં લોકમેળા જેવા દ્રષ્યો બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. હવેથી જયાં સુધી સરકારનો નિર્ણયના આવે ત્યાં સુધી બજારો સંપૂર્ણ બંદ રાખવા પોલીસે કડકાઈ થઈ કામ લીધું છે. કેશોદની બજારોમાં ગઈકાલે સવારે ભીડના દ્રશ્યોની ઘટના બાદ તંત્ર એ ગંભીર નોંધ લીધી હતી. જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, પોલીસ અધિક્ષક સૌરભ સિંદ્ય અને ઉચ્ચ અધિકારીઓની તાકીદે મળેલ બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા અને લોકડાઉનનો અમલ નહી કરનાર સામે કડક હાથે કામ લેવા સ્થાનિક તંત્રને તાકિદ કરી હતી.

તંત્ર દ્વારા લેવાયા કડક નિર્ણયોથી હવે કેશોદમાં ફરી આદેશ ન થાય ત્યાં સુધી ફકત જીવન જરૂરી વસ્તુની દુકાનો જ કલેકટરશ્રીના જાહેરનામા મુજબ ખુલી રહેશે અને વેપારી અને ગ્રાહકોએ સોશિયલ ડિસટન્સ અને પ્રોટોકોલ જાળવી લોકડાઉનનુ ચુસ્ત પાલન કરવાનુ રહેશે. પાલન નહીં કરનાર સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કડક હાથે કામ લેવાનો પણ કડક નિર્ણય કરેલ છે.

ચોક્કસ કારણ વિના કોઈ બહાર નીકળશે અને નિયમોનો ભંગ કરશે તો પોલીસ દ્વારા FIR નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકો એ પણ છૂટછાટનો ગેરઉપયોગ નહિ કરવા તાકીદ કરવામાં આવી છે. લોકોને ઘરમાંજ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામા આવેલ છે. તંત્ર દ્વારા રસ્તાઓ પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે. રખડતા લોકોની શાન ઠેકાણે લાવવા કડક કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામા આવેલ છે.

કેશોદમાં વેપારીઓ અને પોલિસ અધિકારીઓની લોકડાઉનના અમલ માટે મળી ગઈ મિટીંગ

કેશોદઃકેશોદ પોલીસ સ્ટેશનમાં DySP જે. બી ગઢવી તેમજ PI ભાટી અને વેપારી મિત્રો તથા આગેવાનોની ઉપસ્થિતિ માં એક બેઠક મળી જેમાં મહત્વના લોકડાઉન દરમ્યાન અમલ કરવા નિર્ણયો કરવામાં આવેલ હતા. જેનો આજ મંગળવારથી અમલ કરવાનો રહેશે. જેમાં શાક માર્કેટ સુતારવાવ સિવાયના તમામ શાકભાજી લારી વાળાઓનું હવેથી ધંધાનુ સ્થળ કેશોદ બસસ્ટેશન માં રાખવામાં આવશે તેમજ આવશ્યક ચીજ વસ્તુઓ અને તા. ૨૫ પહેલા બહાર પડેલ યાદિ સિવાય ના તમામ ધંધા રોજગાર બંધ રાખવામા આવશે. બિન જરૂરી લોકો બહાર નીકળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. કલેકટર દ્વારા નવુ જાહેરનામુ બહાર પાડવામાં આવનારછે જેનો અમલ કરવાનો રહેશે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં હાલ કોરોનાનો એક પણ કેસ પોઝીટીવ નથી તો શહેરની જનતાએ સરકાર અને પોલિસ મીત્રોને સાથ સહકાર આપવ તથા કામ વગર ઘર બહાર નીકળવાનું ટાળો વારંવાર હેન્ડ વોશ કરો. ફરજીયાત માસ્ક પેહરવું વિ. નિર્ણય કરવામા આવેલ હતા.

(10:39 am IST)