Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કચ્છ હવે કોરોના મુકત થવામાં: વુહાન કનેકટેડ લખપતના મહિલા દર્દીનો રિપોર્ટ અંતે નેગેટિવ

આજે ફરી રિપોર્ટ નેગેટિવ આવે તો રજાઃ અન્ય દર્દીના પણ બે રિપોર્ટ નેગેટિવઃ ભચાઉમાં કોવિડ ૧૯ હોસ્પિટલ માટે તૈયારી

ભુજ,તા.૨૮: કચ્છમાં કોરોના સામે તંત્રની જાગૃતિ રંગ લાવી રહી છે. કોરોનાના અત્યારે બે દર્દીઓ જ સારવાર હેઠળ છે અને તે પૈકી સૌથી મુશ્કેલ કેસ બનેલા લખપતના મહિલા દર્દીના કિસ્સામાં પણ હવે રાહતના સમાચાર છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે સતત એક મહિનાથી પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટની અવઢવ વચ્ચે અંતે લખપતના મહિલા દર્દી રહીમાબેન જતનો રિપોર્ટ ગઈકાલે નેગેટિવ આવ્યો છે, આ દર્દી રહીમાબેનનો કોરોના કેસ વુહાન સાથે કનેકટેડ હોવાનું કહેતા ડો. કન્નરે જણાવ્યું હતું કે, તેઓ હજની જાત્રાએ ગયા ત્યારે ત્યાં હજયાત્રાએ આવેલા ચીનના વુહાનના લોકો સાથે સંપર્કમાં આવ્યા હતા. વિદેશથી આવેલાઓની તપાસ દરમ્યાન રહીમાબેન કોરોના પોઝિટિવ હોવાનું ખુલ્યું હતું. હવે આજે ફરી તેમનું સેમ્પલ રાજકોટ મોકલાયું છે અને આ રિપોર્ટ જો નેગેટિવ આવે તો રહીમાબેનને રજા આપી દેવાશે. તેમના ઉપરાંત અન્ય એક કોરોનાગ્રસ્ત દર્દી મનોજ પટેલના પણ બે વખત નેગેટિવ રિપોર્ટ આવી ગયા છે. એટલે તેઓ પણ કોરોના માંથી સ્વસ્થ થઈ ગયા છે. અત્યાર સુધીમાં કચ્છમાં કોરોનાના કુલ ૬ દર્દીઓ પૈકી એક નું મોત નીપજયું છે, જયારે ત્રણને રજા આપી દેવાઈ છે, હવે જે બે દર્દી હોસ્પિટલમાં છે, તે લખપતના મહિલા અને ભુજના યુવાનના રિપોર્ટ પણ નેગેટિવ છે, એટલે કચ્છ કોરોના મુકત થવાની દિશામાં છે. દરમ્યાન ત્રણ વધુ શંકાસ્પદ દર્દીઓ ગાંધીધામની ૫૪ વર્ષની મહિલા, નિંગાળ (અંજાર) નો ૩૦ વર્ષનો યુવાન અને ભુજનો ૨૨ વર્ષનો યુવાનને દાખલ કરાયા છે, તેમના રિપોર્ટ આજે રાજકોટ લેબમાં મોકલાયા છે.

દરમ્યાન જિલ્લા કલેકટર પ્રવીણા ડીકે, અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે ભચાઉમાં આવેલ વાગડ વેલ્ફેર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ભચાઉમાં અહીં કોવિડ ૧૯ હોસ્પિટલ બનાવવા વિશેની શકયતા સૌ અધિકારીઓએ ચકાસી હતી. ભવિષ્યમાં જો જરૂર પડે તો ભચાઉમાં કોવિડ ૧૯ હોસ્પિટલ શરૂ કરવા તંત્રએ અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે.

(10:38 am IST)