Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ-રકતદાન શિબિર સંપન્ન

૧૩ જ્ઞાતિના ૪૦ યુગલો લગ્નબંધને બંધાયા : વિદેશ એન.આર.આઇ. મહેમાનોની ઉપસ્થિતિ પ્રેરણાદાયી રહી

ચલાલા તા.ર૮: ચલાલા ખાતે ૧૬માં સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ સફળ રીતે યોજાઇ ગયા. જ્ઞાતિ, જાતિ, કે ધર્મના ભેદભાવ વગરના માનવ સેવાના આ ભગીરથ કાર્યનો જુદી-જુદી ૧૩ જ્ઞાતિના નવયુગલોએ લાભ લીધો હતો. અને સમાજના સાચા જરૂરીયાતમંદો સુધી પહોંચવાનો પ્રયત્ન ગાયત્રી પરિવાર દ્વારા થયો હતો.

આ કાર્યક્રમના શુભારંભમાં સંસ્થાના શિલ્પી પૂ. શ્રી રતિદાદાએ સંસ્થાની માનવ સેવાકીય પ્રવૃતિઓની ઝાંખી કરાવી હતી તેમજ નવદંપતિઓને આર્શિવચન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં સિમાબેન (કંપાલા-યુગાન્ડા), ઉર્મિલાબેન તથા અરૂણભાઇ (યુ.કે.) પરેશભાઇ (કંપાલા-યુગાન્ડા) કાંતિભાઇ તથા દેવીબેન (યુ.કે.), નરેન્દ્રભાઇ તથા પ્રવિણાબન (યુ.કે.), સુરેન્દ્રભાઇ કોટેચા (યુ.કે.) એન.આર.આઇ. મહેમાનો, રાજકીય આગેવાનો, સહયોગીઓ, દાતાશ્રીઓ, પરિવારજનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમુહ લગ્નોત્સવમાં દરેક કન્યાને ૧૩૦ વસ્તુ કરીયાવર રૂપે ભેટ આપવામાં આવી હતી. આ સમુહ લગ્નોત્સવની સાથે સાથે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી મહા રકતદાન શિબિરનું આયોજન કર્યું હતું. જેનો બહોળી સંખ્યામાં રકતદાતાશ્રીઓએ લાભ લીધો હતો. સાથે ગુરૂદેવની કલમે લખાયેલા ૩ર૦૦ પુસ્તકો અડધી કીંમતે મળે તે માટે સ્ટોલ રાખવામાં આવ્યો હતો. ૮ર વર-કન્યાને યુગશકિત ગાયત્રીનાં ગ્રાહક બનાવ્યા હતા. સાથે ચા-પાણી અને ભોજન-પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પ્રસંગે શ્રી પરેશભાઇ (કંપાલા-યુગાન્ડા)એ નવદંપતિઓને સુખમય જીવન જીવવા માટે બોધ આપ્યો હતો. શ્રી અરૂણભાઇ તથા ઉર્મિલાબેન (યુ.કે.)એ આવા મંગલમય કાર્યો થતા રહે તેવી શુભેચ્છા આપેલ. શ્રી પૂ.કરૂણાનિધાન બાપુએ સુંદર આયોજન માટે સંસ્થાને બીરદાવી હતી. શ્રી પ્રયાગરાજબાપુએ સંસ્થાની પ્રવૃતિને બીરદાવી નવદંપતીઓને શુભેચ્છા પાઠવી હતી. રોમીલભાઇ તથા પ્રકાશભાઇએ આ સંસ્થા ચલાલા અને આજુબાજુના વિસ્તાર માટે આર્શિવાદરૂપ હોવાનું જણાવેલ. ભાવેશભાઇ વાડોદરીયાએ સંસ્થા વધુ સારા કાર્યો કરે અને આગળ વધે તેવી અપેક્ષા સેવી હતી. રમણીકભાઇ સોજીત્રાએ દરેક જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચવાનો આ સંસ્થાનો મુખ્ય હેતુ હોવાનું  જણાવેલ. કાર્યક્રમનું સંચાલન મહેશભાઇ મહેતાએ કર્યું હતું.

ગાયત્રી પરિવારના વિરાટ કાર્યને સફળ બનાવવા પૂ.રતિદાદા, મહેશભાઇ મહેતા, પરેશભાઇ મહેતા, લાલજીભાઇ ખુંટ, પરેશભાઇ કંસારા, મેહુલભાઇ, નટુભાઇ, તેમજ મંજુબા, રસીલાબેન, આચાર્યશ્રી શીતલબેન, ગાયત્રી સંસ્કાર વિદ્યાલયનો સ્ટાફગણ તેમજ બાળકો વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(11:55 am IST)