Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ શિયાળુ પાક રાજકોટ જિલ્લામાં : સૌથી ઓછો બોટાદમાં

વાવેતરમાં ચણા પહેલા નંબરે : ઘઉંનું વાવેતર બીજા ક્રમે : રાજ્યના કુલ વાવેતરનું ૪૨ ટકા સૌરાષ્ટ્રમાં : રવિ ખેત ઉપજ બજારમાં દેખાવા લાગી : આવતા મહિને ચણાની ચિક્કાર આવક થશે : માર્ચ - એપ્રિલમાં ઘઉં બજારમાં ઠાલવાશે : ખરીફ પાકની વાવણીને હજુ પાંચ મહિનાની વાર

રાજકોટ તા. ૨૮ : સૌરાષ્ટ્રમાં શિયાળુ પાક તૈયાર થઇને બજારમાં આવવા લાગ્યો છે. આગામી દિવસોમાં ચણા, જીરૂ, ઘઉં વગેરે બજારમાં પુષ્કળ પ્રમાણમાં ઠાલવાશે. સૌરાષ્ટ્રમાં વાવેતરના આંકડા જોતા સૌથી વધુ પાક રાજકોટ જિલ્લામાં થાય તેવું તારણ નીકળે છે. સરકારે ચણાની તા. ૧ માર્ચથી ટેકાના ભાવે ખરીદી કરવાનું જાહેર કર્યું છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૩૨૨૭ હેકટરમાં રાજકોટ જિલ્લામાં રવિ પાકનું વાવેતર થયું છે. સૌથી ઓછું બોટાદ જિલ્લામાં માત્ર ૬૨૬ હેકટરમાં વાવેતર થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૪૦૦ હેકટરમાં અને જામનગર જિલ્લામાં ૧૯૧૪ હેકટરમાં રવિ પાક વાવવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લામાં ૧૬૨૪, અમરેલી જિલ્લામાં ૧૮૨૫ અને જૂનાગઢ જિલ્લામાં ૨૫૫૫ હેકટરમાં વાવેતર નોંધાયું છે. ગિર સોમનાથ જિલ્લામાં ૧૧૦૩ હેકટરમાં વાવેતર થયું છે. વાવેતરમાં વિસ્તાર, જમીનનો પ્રકાર વગેરે અસર કરે છે.

સૌરાષ્ટ્રમાં કુલ ૧૯૮૯૬ હેકટરમાં રવિ પાકનું વાવેતર થયું છે. જેમાં આંકડા જોતા ૪૨૫૭ હેકટરમાં ઘઉં, ૮૬૪૩ હેકટરમાં ચણા, ૪૪૭ હેકટરમાં રાઇ, ૧૮૮૧ હેકટરમાં જીરૂ, ૧૨૨૫ હેકટરમાં ધાણા, ૨૪૩ હેકટરમાં લસણ, ૬૮૨ હેકટરમાં શાકભાજી, ૧૫૩૫ હેકટરમાં ઘાસચારો વગેરેનો સમાવેશ થાય છે. સમગ્ર રાજ્યનું શિયાળુ પાકનું કુલ વાવેતર ૪૭૩૭૭ હેકટરમાં નોંધાયું છે.

(10:09 am IST)