Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

સાંપ્રત સમયની તમામ સમસ્યાઓનું સમાધાન આપણા ધાર્મિક ગ્રંથોમાં છે : ભૂપેન્દ્રસિંહ સત્વશીલ સાહિત્ય આજના સમાજ માટે શ્રેષ્ઠ સોફટવેર : રમેશભાઇ ઓઝા

આચાર્ય પરિવાર દ્વારા ૧૦૦ જેટલા રામાયણ ગ્રંથો નરસિંહ મહેતા યુનિ.ને સમર્પિત કરાયા : ભકતકવિ નરસિંહ મહેતા યુનિ. જ્ઞાનોત્સવમાં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જવાહરભાઇ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિ

જૂનાગઢ તા.૨૮ :  ભકતકવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચૂડાસમા, પ્રવાસન મંત્રી જવારભાઇ ચાવડા, ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા અને ડો. મહાદેવપ્રસાદ મહેતાની ઊપસ્થિતીમાં જ્ઞાનોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂર્વ આરોગ્યમંત્રીશ્રી હેમાબેન આચાર્ય દ્વારા તેમનાં સહજીવનયાત્રી સુર્યકાન્તભાઇ આચાર્યની સ્મૃતિરુપે એકસો જેટલા રામાયણ ગ્રંથો યુનિ.ના કુલપતિ ડો. ચેતન ત્રિવેદીને સમર્પિત કરાયા હતા. 

આ અવસરે શિક્ષણમંત્રીશ્રીએ કહયુ કે, હેમાબેન અને સુર્યકાન્તભાઇ આચાર્ય ગુજરાતનાં જાહેર જીવનનું પહેલુ દંપતી હતુ. તેમની સમાજ ભાવના કુટુંબભાવના અને સંસ્કારો અમને વારસામાં મળ્યા છે. તેમનાં દ્વારા અપાયેલ ધાર્મિક ગ્રંથો જ્ઞાનનો ખજાનો છે. અને સાંપ્રત સમયની તમામ સમશ્યાઓનું સમાધાન આપણાં ધાર્મિક ગ્રંથોમાં છે. 

સમગ્ર કાર્યક્રમને આશીર્વાદ આપતા ભાગવાતાચાર્ય રમેશભાઇ ઓઝાએ કહ્યુ કે, ધર્મનાં પાયામાં વિજ્ઞાન છે. જયારે વિજ્ઞાન ધર્મ ચૂકે ત્યારે વિકાસનાં બદલે વિનાશ થાય.અને ધર્મ વિજ્ઞાન છોડશે  ત્યારે માત્ર કર્મકાન્ડની પ્રક્રિયા બની રહેશે. આથી ધર્મ અને વિજ્ઞાનનું સહ અસ્તીત્વ આવશ્યક છે. ધર્મ અને વિજ્ઞાનની સમશ્યા સારૂ વાંચન સદગ્રંથોનાં સત્વશીલ વાંચનમાંથી મળે છે. અને સત્વશીલ સાહિત્ય આજનાં સમાજજીવનનું શ્રેષ્ઠ સોફટવેર છે.

ભાગવતાચાર્ય ડો. મહાદેવ પ્રસાદ મહેતાએ આચાર્ય દંપતી રાષ્ટ્રીય વિચારધારાનાં ધરોહર ગણાવી તેમનાં જીવનમાંથી પ્રેરણા લેવા જણાવ્યુ હતુ. યુનિ. કુલપતિ ડો. ચેતન ત્રિવેદીએ સ્વાગત પ્રવચન સાથે યુનિ.માં કાર્યરત વિવિધ અભ્યાસક્રમોની વિગતો આપી હતી. પૂ.ભાઇશ્રીએ કુલપતિના માથા ઊપર રામાયણ ગ્રંથ મુકી પોથી સ્વરૂપે તેનું કાયમ જતન કરવા આશિર્વાદ આપ્યા હતા. કાર્યક્રમની આભારવિધી કુલસચિવ ડો. મયંક સોનીએ કરી હતી.

આ પ્રસંગે  મેયર ધીરૂભાઇ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુભાઇ પંડ્યા, યુનિ.ની એકજયુકેટીવ કાઉન્સીલનાં સભ્યો ચંદ્રેશભાઇ હેરમા, જય ત્રિવેદી, ડો. જીવાભાઇ વાળા અગ્રણી પ્રદિપભાઇ ખિમાણી, જયોતીબેન વાછાણી, આદ્યાશકતીબેન મજમુદાર,પુનીત શર્મા યુનિ. પ્રાધ્યાપકશ્રીઓ, વિદ્યાર્થીઓ, બહોળી સંખ્યામાં ઊપસ્થિત રહ્યા હતા.

એકસો રામાયણગ્રંથોનું યુનિવર્સિટી દ્વારા ડીઝીટલાઈઝેશન કરાશે

જૂનાગઢ તા.૨૮ : જૂનાગઢના કર્મનિષ્ઠ આચાર્ય દંપતિ દ્વારા ભકતકવિ નરસિંહ મહેતા યુનિ. ને એકસો જેટલા રામાયણગ્રંથો સમર્પિત કરવામાં આવ્યા છે. આ તમામ ગંથ્રોનું યુનિ. દ્વારા ડિઝીટલાઈઝેશન કરવામાં આવશે. આ યુનિ.ની લાઈબ્રેરીનું વિશ્વની ૧૯૨ લાઈબ્રેરીઓ સાથે સંકલન છે. આથી આ રામાયણગ્રંથોનું ડિઝીટલાઈઝેશન થતા વૈશ્વિક બનશે તેમ યુનિ. કુલપતિ ડો. ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતુ. તેમણે વધુમાં કહ્યું કે, યુનિ.ની ૧૬૨ કોલેજોના ૧ લાખ ૨૦ હજાર જેટલા વિધાર્થીઓ યુનિ. સાથે એપ્લીકેશનના માધ્યમથી ડેશ બોર્ડ સાથે જોડાયેલા છે. યુનિ.માં ૩૦ જેટલા સ્કીલ્ડ બેઈઝ કોર્ષ પણ શરૂ કરાયા છે.

(1:12 pm IST)