Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

કચ્છમાં મજૂરી કામ ન ગમતા યુવાને ધાબેથી ઠેકડો મારીને આપઘાત કર્યો

સગર્ભા યુવતિ, વ્યાજખોરોના ત્રાસથી દરજી યુવક સહિત ૪નાં આપઘાતના અલગ-અલગ બનાવથી અરેરાટી

ભુજ, તા.૨૮: જીવનમાં આવતી નાની મોટી મુશ્કેલીઓથી હારી થાકીને આપદ્યાત કરવાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. કચ્છમાં અલગ અલગ બનેલા ચાર બનાવોમાં એક યુવતી સહિત ત્રણ યુવાનોએ જાતેજ આપદ્યાત કરીને પોતાની જિંદગીનો અંત આણી દીધો હતો. અંજારના દૂધઇ ગામે વાડી મધ્યે રહીને ખેત મજૂરી કરતી ૨૨ વર્ષીય પરિણીત યુવતી સવિતા કુંવરસિંહ ઠાકોરે ઝેરી દવા પી જીવનનો અંત આણ્યો હતો. ચાર માસનો ગર્ભ ધરાવતી સવિતા પરિણીત હતી. તેના આપદ્યાતનું કારણ જાણવા મળ્યું નથી. બીજા બનાવમાં ભુજમાં રામકૃષ્ણ કોલોનીમાં રહેતા ૩૮ વર્ષીય પરિણીત યુવાન કૌશિક રામચંદ્ર રાવે ગળે ફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું હતું. દરજી કામ કરતા આ યુવાને લેણું ચડી જતાં આપદ્યાત કર્યો હોવાનું તેની વિધવા માતાએ પોલીસને જણાવ્યું હતું. ત્રીજા બનાવમાં મુન્દ્રામાં રહેતા ૨૦ વર્ષીય પરપ્રાંતીય યુવાન બ્રજેશકુમાર ઇન્દ્ર દેવરાયે ધાબેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. કાકા સાથે રહીને મજૂરી કામ કરતા આ બિહારી યુવાનને મજૂરી કામ પસંદ ન હોઈ જીવનનો અંત આણ્યો હતો. ચોથા બનાવમાં ગાંધીધામમાં મહેશ્વરી નગરમાં રહેતા ૨૭ વર્ષીય યુવાન કાનજી શામજી મહેશ્વરીએ ગળે ફાંસો ખાધો હતો. છ મહિના પહેલા એસિડ પીને આત્મહત્યા નો પ્રયાસ કરનાર આ યુવાન એસિડ પીવાને કારણે પેટની બીમારીથી ત્રસ્ત હતો. આપઘાતના આ ચારેય બનાવની પોલીસે અલગ અલગ રીતે તપાસ શરૂ કરી છે.

(11:43 am IST)