Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

વાંકાનેરમાં વકરતી ટ્રાફીક સમસ્યા છાસવારે થતા ચક્કાજામ-પ્રજા પરેશાન-તંત્ર ઉદાસીન

વાંકાનેર, તા., ર૮: વાંકાનેરમાં ટ્રાફીક સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. છાસવારે ટ્રાફીક જામ થવાના દ્રશ્યો જોવા મળે છે અને આની પાછળનુ મુખ્ય કારણ આડેધડ પાર્ક થતા વાહન અને ઢીલી નીતીને લઇને પ્રજા પરેશાન થઇ રહી છે.

વાંકાનેરની મોટાભાગની બેંકો આગળ પાર્કીગની વ્યવસ્થા નથી અને તેના ગ્રાહકો બેંક આગળ આડેધડ વાહન પાર્ક કરી બેકીંગ વહીવટ માટે જતા રહે છે. આના કારણે પોસ્ટ ઓફીસ પાસેના વણાંકમાં છાશવારે ટ્રાફીક જામ થઇ જાય છે. તેમાય બે મોટા વાહનો સામસામે આવી જાય ત્યારે બન્ને બાજુથી ટ્રાફીક જામ થઇ જવાના અને વાહનોની લાંબી કતારો લાગી જવાના બનાવો રોજીંદા બની ગયા છે.

માર્કેટ ચોક તથા હાઇવે ચોકડી, પતાળીયા નદી પરનો પુલ મેઇન બજાર, સીટી સ્ટેશન રોડ જીનપરા મેઇન રોડ સહીતના મુખ્ય માર્ગોની સાઇડોમાં આડેધડ પાર્ક થતા રીક્ષા, સ્કુટર, ફોર વ્હીલોને લઇને ટ્રાફીક સમસ્યા ઉભી થઇ રહી છે.

ખાસ કરીને બપોરના એકથી ે વાગ્યા વચ્ચે કુલો છુટે ત્યારે એક તરફ એસટીની બસો કુલની બસો અને વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના વાહનો મોટા પ્રમાણમાં નિકળતા હોય છે અને આ સમયે માર્કેટ ચોકમાં દરરોજ ટ્રાફીક જામ થવાના બનાવો જોવા મળે છે. માર્કેટ ચોકમાં આડેધડ ઉભા રહી જતા વાહનોને લઇને ટ્રાફીક જામ થઇ જાય છે પણ આ સમય દરમ્યાન ન તો કોઇ પોલીસ કર્મચારી કે ન કોઇ ટ્રાફીક વોર્ડન એક પણ જોવા મળતા નથી અને પ્રજા આ સમસ્યામાં પીસાઇ રહી છે.

રસ્તાઓ ઉપર પાથરાણા વાળાઓ દ્વારા થતા દબાણો પણ પાલીકા તંત્રે દુર કરવા જોઇએ અને આડેધડ પાર્ક કરીને ઉભા રહી જતા વાહન ચાલકો સામે કડક હાથે કામ લેવું જોઇએ. બપોરના સમયે મેઇન બજાર સહીતના માર્ગો ઉપર ધુમ સ્ટાઇલે નિકળતા હીરોગીરી કરતા તત્વો અને બજારમાં સ્કુટરો-બાઇકો વચ્ચોવચ રાખી પગ ઉપર પગ ચડાવીને સીન સપાટા કરતા લોકો સામે પણ પોલીસે કડક હાથે કામ લેવું જોઇએ તેવી પ્રજામાંથી માંગ ઉઠી રહી છે.

(11:30 am IST)