Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

દ્વારકામાં રાત્રીના ભરશિયાળે વરસાદી ઝાપટુ

સવારથી વાતાવરણ સૂર્ય પ્રકાશિતઃ મિશ્ર ઋતુનો અનુભવ

દ્વારકા, તા. ૨૮ :. મોડી રાત્રીના દ્વારકામાં વરસાદી ઝાપટુ પડતા લોકોમાં આશ્ચર્ય ફેલાયુ છે.

રાત્રીના ૨ થી અઢી વાગ્યા દરમિયાન વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને વરસાદી ઝાપટા વરસ્યા હતા.

જો કે સવારથી વાતાવરણ સૂર્ય પ્રકાશિત છે. ભરશિયાળે ઠંડી અને કમોસમી વરસાદ સાથે મિશ્ર ઋતુનો માહોલ છવાયો છે.

આ વર્ષે ગુજરાતના ખેડૂતો એક પછી એક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ચોમાસા અને ત્યાર પછી પડેલા કમોસમી વરસાદના કારણે ગુજરાતના મોટાભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. ખેડૂતોએ પાક વીમા કંપનીઓ પાસેથી વળતરની માગણી કરી હતી પરંતુ હજુ સુધી ઘણા ખેડૂતો પાક વીમા કંપનીઓ વળતરથી વંચીત રહ્યા છે. આમ પહેલાથી નુકશાનીનું વળતર ખેડૂતોને નથી મળ્યું, ત્યાં ફરીથી હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક સાયકલોનિક સકર્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે ૨૭ અને ૨૮ જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

જ્યારે વડોદરા, જામનગર, દીવ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાની આશંકા વ્યકત કરવામાં આવી છે. વરસાદની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.

ઉલ્લેખનીય છે કે ૧૨ જાન્યુઆરીના રોજ મોડી રાત્રે દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ત્યાર બાદ દ્વારકા અને ખંભાળિયા પંથકમાં વરસાદ પડયો હતો. તેની સાથે સાથે સૌરાષ્ટ્રના મોરૂ, નાની વાવડી, સનાળા, રવાપર, જેતપુર, માળીયાના વેણાસર, ખાખરેચી, કુંભારિયા, હળવદના માણગઢ, ટીકર, અજીતગઢ, કચ્છના નખત્રાણા, ગાંધીધામ, માધાપર, આદિપુર, નલીયા, અંજાર ઉપરાંત પોરબંદર, જૂનાગઢ અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો ત્યારે હવે ફરીથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

(11:26 am IST)