Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

પોરબંદરમાં નાનજીભાઇ કાલીદાસભાઇ મહેતા પરિવારના મોભી ધીરેન્દ્રભાઇ મહેતાની સાંજે અંતિમ યાત્રા : કાલે પ્રાર્થના સભા

ઔદ્યોગિક શિક્ષણ અને સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે યશસ્વી યોગદાન આપનાર ધીરેન્દ્રભાઇ મહેતાનું મુંબઇમાં નિધન થતા આર્ય કન્યા ગુરૂકુલ પરિવાર તથા તેઓના બહોળા ચાહક વર્ગમાં શોક વ્યાપી ગયેલ : સદ્ગતના પાર્થિવ દેહને મુંબઇથી ચાર્ટર પ્લેન દ્વારા પોરબંદર લાવીને સાંજે સ્વસ્તિક ભવનમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે

પોરબંદર, તા. ર૮ : શ્રેષ્ઠી નાનજીભાઇ કાલીદાસભાઇ મહેતા પરિવારના મોભી અને ઔદ્યોગિક શિક્ષણ અને સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે યશસ્વી યોગદાન આપનાર ધીરેન્દ્રભાઇ મહેતાનું ટૂંકી બીમારી બાદ મુંબઇમાં ૯૬ વર્ષની વયે અવસાન થતાં મહેતા અને આર્ય કન્યા ગુરૂકુળ પરિવાર તથા તેઓના બહોળી સંખ્યામાં ચાહક વર્ગમાં શોક વ્યાપી ગયેલ. સદ્ગતના પાર્થિવ દેહને મુંબઇથી ચાર્ટર પ્લેન દ્વારા પોરબંદર લાવીને બપોરે ૩ થી પ જૂના ફુવારા સર્કલ પાસે સ્વસ્તિક ભવન ખાતે તેમના અંતિમ દર્શન રાખવામાં આવશે ત્યાર બાદ સાંજે પ વાગ્યે તેમની અંતિમ યાત્રા સ્વસ્તિક ભવન ખાતેથી મહેતા ગ્રુપ પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો સાથે નીકળશે. સ્વ. ધીરેન્દ્રભાઇ મહેતાની પ્રાર્થના સભા આવતીકાલે તા. ર૯મીએ સવારે ૧૦ થી ૧ર સ્વસ્તિક ભવન તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

સ્વ. ધીરેન્દ્રભાઇ પ ઓકટોબર ૧૯ર૪ના દિને રાણાવાવમાં જન્મેલા ધીરેન્દ્રભાઇએ આફ્રિકા તથા ભારતમાં અભ્યાસ કર્યો. વિશ્વના પ્રવાસો ખેડીને વ્યાપાર-ઉદ્યોગ ઉપરાંત સંસ્કૃતિ અને સમાજના આધુનિક પ્રવાહોનું ઉંડુ નિરીક્ષણ કરી પોતાના વ્યાપારી જ્ઞાનને અનુભવનો ઓપ આપ્યો હતો. ઇ.સ. ૧૯૪૩માં પોરબંદર યંગમેન્સ એસોસીયેશન તથા ૧૯૪પમાં પથદીપ, કલાસંસ્કાર તેમજ ભાતૃભાવ સંસ્થાઓમાં પ્રેરક સહયોગી રહીને પોરબંદરમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને સુવ્યવસ્થિત સ્વરૂપ આપવાાં ભાગ ભજવ્યો હતો. પૂર્વ આફ્રિકામાં લઘુબંધુ મહેન્દ્રભાઇ, બહેન સવિતાદીદીની સાંસ્કૃતિક પ્રેરણાના સથવારે અનેક શૈક્ષણિક અને સાંસ્કૃતિક ભવનોના નિર્માણનો સહયોગ આપ્યો હતો. ઇ.સ. ૧૯પ૮માં રાણાવાવમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવામાં અને તેની ગતિ-પ્રગતિમાં તેઓશ્રીએ અવણી સંચાલક તરીકે રહીને રાણાવાવની 'હાથી છાપ' સિમેન્ટને દેશ-વિદેશમાં ખ્યાતિ અપાવી છે.

તેમની જીવન સફરમાં ઇ.સ. ૧૯૪૪માં ધીરેન્દ્રભાઇને ૪પ દિવસ માટે તેમના પંચગીની નિવાસ સ્થાને મહાત્મા ગાંધીજીની સાથે સેવા કરવાનો અમૂલ્ય લાભ મળ્યો હતો. તેમનું વતન પોરબંદર પાસે વિંઝરાણામાં છે.  શ્રેષ્ઠી નાનજીભાઇ કાલીદાસભાઇ મહેતાના ધીરેન્દ્રભાઇ બીજા નંબરના પુત્ર હતાં. પિતા નાનજીભાઇ કાલીદાસભાઇ મહેતા વતન વિંઝરાણાથી આફ્રિકા ગયેલ અને અપ્રિતમ ઔદ્યોગિક પ્રગતિ સાધી હતી.

પોરબંદરમાં ૯૦ એકરની વિશાળ તપોભૂમિમાં આર્ય કન્યા ગુરૂકુળને પ્રસ્થાપિત થયે ૮૩ વર્ષ થયા જેની પરિકલ્પના હતી. ધીરેન્દ્રભાઇના પિતાશ્રી નાનજીભાઇનો પણ તેનામાં આત્મા રેડી અનન્ય અને અપૂર્વ આકૃતિ આપવામાં ડો. સવિતાદીદીની સાથે તેઓશ્રી સદાય સક્રિય રહ્યાં હતાં. શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્ર ઉપરાંત વ્યાપારી તેમજ સેવાકીય ક્ષેત્રે પણ ધીરેન્દ્રભાઇ મહેતાનું યોગદાન સ્મરણીય રહ્યું છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, રોટરી કલબનું એક કરતા વધારે વાર પ્રમુખપદે રહ્યા છે. આજે તા. ર૮ના તેમના પાર્થિક દેહને પોરબંદર ખાતે લાવવામાં આવશે અને ત્યારબાદ જુના ફુવારા સર્કલ ઉપર આવેલ સ્વસ્તિક ભુવન ખાતે બપોરે ૩ થી પ સુધી તેમના અંતિમ દર્શન રાખવામાં આવ્યા છે અને ત્યારબાદ પ કલાકે તેમની અંતિમયાત્રા સ્વસ્તિક ભુવનથી નિકળશે. પ્રાર્થનાસભા બુધવારે તા. ર૯ના સવારે ૧૦ થી ૧ર સ્વસ્તિક ભુવન, જુના ફુવારા સર્કલ ખાતે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

(11:24 am IST)