Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

જુનાગઢના શાપુર પાસે બે બાઇક અથડાયા બાદ ભડકે બળ્યાઃ બે મિત્રો ગંભીર રીતે દાઝી ગયા

જુનાગઢના રૂપેશ સોલંકી અને મનિષ બારોટ વંથલી જતા'તા ત્યારે બનાવઃ બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા

તસ્વીરમાં દાઝી ગયેલા બંને મિત્રો અને ભડકે બળતા બાઇક તથા લોકોનું ટોળુ જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૮: જુનાગઢના શાપુર પાસે રાત્રીના નવેક વાગ્યે બે બાઇક સામ-સામે અથડાયા બાદ બંને બાઇક સળગીને ખાક થઇ ગયા હતાં. જેમાં એક બાઇક પર બેઠેલા જુનાગઢના બે મિત્રો ગંભીર રીતે દાઝી જતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળ્યા મુજબ જુનાગઢ ટીંબાવાડી શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં મનિષ શિવધનભાઇ લખધીર (બારોટ) (ઉ.વ.૩૪) અને રૂપેશ અરવિંદભાઇ સોલંકી (કડીયા) (ઉ.૩૪) નામના બે મિત્રો સાંજે કામેથી છુટ્યા બાદ આટો મારવા બાઇક લઇને વંથલી તરફ જતાં હતાં ત્યારે શાપુર પાસે પહોંચતા સામેથી બીજુ બાઇક આ બંનેના બાઇક સાથે અથડાતાં અને સીધો ભડકો થતાં બંને બાઇક સળગી ગયા હતાં.

આ આગમાં રૂપેશ અને મનિષ બંને દાઝી ગયા હતાં. બનાવ સ્થળે લોકોના ટોળા ભેગા થઇ જતાં કોઇએ ફાયર બ્રિગેડ અને ૧૦૮ને જાણ કરી હતી. દાઝેલા બંને મિત્રોને જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

રૂપેશ બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો છે અને સંતાનમાં એક પુત્રી છે. તે વાયરીંગનું કામ કરે છે. જ્યારે મનિષ ત્રણ ભાઇ ત્રણ બહેનમાં વચેટ તથા અપરિણીત છે. તે કલીનર તરીકે કામ કરે છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રામજીભાઇ પટેલે જુનાગઢ પોલીસને જાણ કરી હતી.

(11:22 am IST)