Gujarati News

Gujarati News

News of Sunday, 27th December 2020

હળવદ : નરાધમે ઘરમાં ઘૂસી બાળાનું બાવડું પકડી લીધું

સગીરા સાથે કુકર્મ કરવાનો હતો મનસૂબો : બાળાએ દેકારો કરી મુકતા આજુબાજુના લોકો દોડી આવ્યા, લોકોએ યુવાનને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો

હળવદ,તા.૨૭ : હળવદના એક વિસ્તારમાં એકલી રહેલી ૧૧ વર્ષની બાળાની એકલતાનો.લાભ લઈને એક શખ્સ તેના ઘરમાં ઘૂસ્યો હતો અને બાળકીનું બાવડું પકડીને છેડતી કરતા તેણીએ બૂમાબૂમ કરી મૂકી હતી.આથી આસપાસના લોકોએ દોડી આવીને એ શખ્સની સારી પેઠે ધોલાઈ કરી તેને પોલીસને હવાલે કરી દીધો હતો.બાદમાં પોલીસે આરોપી સામે પોકસો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના એક વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારની ૧૧ વર્ષની દીકરી ઘરે એકલી હતી.જેમાં તેના માતાપિતા કોઈ કામ અર્થે બહાર ગયા હતા. આથી એકલી રહેલી ૧૧ વર્ષની બાળા ઉપર નજર બગાડીને ધ્રાગંધ્રાના ફૂલગલીમાં રહેતા સાહિલભાઈ સલીમભાઈ ઘાંચી નામનો શખ્સ તેની ઘરમાં ઘૂસ્યો હતો અને આ શખ્સે બાળાનું બાવડું પકડીને જાતીય હુમલો કરતા ઓચિંતી આવી હરકતથી બાળકી ફફડી ઉઠી હતી અને તેણીએ દેકારો કરી મુક્યો હતો.

        જેથી આસપાસના લોકો તેની ઘરે દોડી ગયા હતા અને બાળકીની છેડતી કરનાર એ શખ્સની જાહેરમાં ઘોલ ધપાટ કરીને તેની શાન ઠેકાણે લાવી દીધી હતી.બાદમાં પોલીસને બોલાવીને તેને હવાલે કરી દીધો હતો. આ બનાવ અંગે બાળકીની માતાએ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી કે ,તેમની પુત્રીની એકલતાનો લાભ લઇ છેડતી કરી બીભત્સ માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના ડીવાયએસ રાધિકા ભારાઈએ જણાવ્યું કે પોલીસ ઇન્સ્પેક્ટર દેકાવાડિયા આ કેસની તપાસ કરી રહ્યા છે, આરોપી સગીરાના ઘરે કઈ રીતે પહોંચ્યો તેની તપાસ શરૂ છે. આ મામલે મોરબીના ડીવાયએસપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે ૨૪ ડિસેમ્બરે એક સગીર બાળા ઘરે એકલી હતી ત્યારે આ આરોપી તેના ઘરે ગયો હતો. આ આરોપીએ સગીરાના ઘરે જઈ અને તેનું બાવડુ પકડી તેની સાથે બિભત્સ વાતો કરી હતી. સગીરાએ બૂમાબૂમ કરી દેતા મામલો સામે આવ્યો હતો. આરોપી ધ્રાંગધ્રાનો છે અને હળવદમાં તેની લારી છે. ત્યારે તે કઈ રીતે સગીરા સાથે જોડાયેલો છે તેની તપાસ શરૂ છે.

(8:16 pm IST)