Gujarati News

Gujarati News

News of Sunday, 27th December 2020

જામનગરમાં એક જ પરિવારના બે બાળકોના ઝેરી તાવથી કરૂણમોત :લોકોમાં ભારે ફફડાટ

બે સગા ભાઈના માત્ર ચાર દિવસના ગાળામાં જ ઝેરી તાવના કારણે મૃત્યુ

જામનગર:શહેરના મહેશ્વરીનગરમાં રહેતા બે સગાભાઈઓના ઝેરી તાવની બીમારીના કારણે બન્ને બાળકોના મોત થતા લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. આ બનાવને લઈ તબીબો દ્વારા ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. એક જ પરિવારના બે સગા ભાઈના માત્ર ચાર દિવસના ગાળામાં જ ઝેરી તાવના કારણે મૃત્યુ થતા મહેશ્વરીનગર વિસ્તારમાં ભારે અરેરાટી મચી ગઇ છે.

પ્રથમ બે વર્ષના આર્યન પ્રકાશભાઈ વિઝોડાને તાવ આવ્યા બાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યાં તા. 21 ના રોજ તેનું મૃત્યુ થયું હતું. જે બાદ 10 વર્ષના મોટા પુત્ર ધનરાજ પ્રકાશભાઇ વિંજોડાને પણ તાવ આવતા તેને પણ જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યાં ગઇકાલે તેનું મૃત્યુ થયું હતું.

આ મામલે જામનગર જી.જી. હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગના વડા ડો.ભદ્રેશ વ્યાસે જણાવ્યું છે કે, બન્ને બાળકોને તમામ સારવાર આપવામાં આવી હતી પણ આ દુ:ખદ ઘટના ઘટી તેનું અમને પણ દુખ છે. આ વિસ્તારમાં પાણી જન્ય રોગ ફેલાઈ રહ્યો હોય તેના કારણે આવું બન્યું હોય શકે છે. જો કે તે તપાસનો વિષય છે, વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે આ વિસ્તારમાં હજુ પણ ત્રણ ચાર બાળકોને તાવ આવતા હોય લોકો ચિંતામાં મુકાઇ ગયા છે.

(7:12 pm IST)