Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

ભાવનગરમાં પ્રદેશ ભાજપ પ્રમુખના મતવિસ્તારમાં દેશી-વિદેશી દારૂના અડ્ડા !!!

બોરતળાવ વિસ્તારમાં ચાલતા દારૂનાઅડ્ડા બંધ કરાવવા ભાજપના ડેપ્યુટી મેયરે લખ્યો પોલીસવડાને પત્ર

અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધીની પોલ ખુદ તેમના જ ડેપ્યુટી મેયરે ખોલી છે. ભાવનગરમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના જ મત વિસ્તારમાં દારૂના અડ્ડા ધમધમે છે તેવી જાણ ભાજપના નગરસેવક અને ડે.મેયરે પોલીસ વડાને પત્ર લખી કરી છે. શહેરના બોરતળાવ વિસ્તારમાં ચાલતા દેશી અને વિદેશી દારૂના અડ્ડાને સત્વરે બંધ કરાવવાની માંગ ડે.મેયરે કરી છે.

ભાવનગરના ડેપ્યુટી મેયર અશોક બારૈયાએ દારૂનું બેફામ વેચાણને લઇ એસ.પી.ને આ અંગે પત્ર લખ્યો છે. ભાવનગર શહેરનાં ડેપ્યુટી મેયરે જે વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે તેનો ઉલ્લેખ કર્યો છે તે વિસ્તાર પ્રદેશ ભાજપ અધ્યક્ષ વાઘાણીનો જ મત વિસ્તાર છે.

ભાવનગરનાં ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયાએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો છે. અને પત્રમાં જણાવ્યું છે કે, બોરતળાવ વિસ્તારમાં ચાલતા દેશી અને વિદેશી દારૂના સ્ટેન્ડ સત્વરે બંધ કરાવવા તેમણે માંગણી કરી છે. ભાવનગર શહેરના બોરતળાવ વોર્ડમા કુંમુદવાડી, બોરતળાવ, માલધારી સોસાયટી વાળા રસ્તાઓ પર ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થાય છે. તેનો સ્વીકાર ભાવનગર શહેરના ડેપ્યુટી મેયરે કર્યો છે. ભાવનગર પશ્વિમમાં ખુલ્લેઆમ ગેરપ્રવૃત્તિએ માજા મુકી હોવાનો શાસક પક્ષના જ પદાધિકારીએ કરેલી રજૂઆતના પગલે ખળભળાટ મચી ગયો છે.

ભાવનગર મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર અશોક બારૈયાએ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, અમારા મત વિસ્તાર બોરતળાવ વોર્ડમાં આવેલ બોરતળાવના મુખ્ય રસ્તા પર કુંમુદવાડી તથા માલધારી સોસાયટીવાળા આ રસ્તા ઉપર ખુલ્લેઆમ ઈગ્લીંશ તેમજ દેશી દારૂ વેચાય છે.

(11:37 pm IST)