Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

કચ્છની જેમ ખારાઘોડામાં પણ સોલ્ટ ઈન્ડ્રસ્ટ્રીઝ બને તે માટે સરકાર વિચારધીન : સુરેન્દ્રનગરમાં ત્રિદિવસીય ઝાલાવાડ મેગા એક્ઝીબીશનનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન

સૌરાષ્ટ્ર આજે MSMEનું હબ બન્યું છે : ઝાલાવાડવાસીઓએ પોતાની તાકાતથી દુનિયાના વેપાર - ઉદ્યોગના નકશામાં આગવું સ્થાન બનાવ્યું છે : વિજયભાઈ રૂપાણી

રાજકોટ -સુરેન્દ્રનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુરેન્દ્રનગરમાં ગ્લોબલ ઝાલાવાડ એકઝીબીશનને ખૂલ્લું મૂકતા સ્પષ્ટપણે જણાવ્યું કે ‘‘ખાનદાની અને ખુમારીના પ્રદેશ એવા ઝાલાવાડના લોકોમાં ઉદ્યમ અને ઉદ્યમશિલતા પડેલી છે. જેના કારણે દુનિયાના વેપાર – ઉદ્યોગના નકશામાં ઝાલાવાડવાસીઓએ પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.’’

ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ઉપક્રમે યોજાયેલ આ ઝાલાવાડ મેગા એક્ઝીબીશનના આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના તમામ ઉદ્યોગો આપબળે આગળ વધ્યા છે. 

રાજકોટે બેરીંગ અને સબમર્સીબલ, જામનગરે બ્રાસપાર્ટ, સુરેન્દ્રનગરે જિનીંગ-સ્પીનીંગ અને ભાવનગરે શિપીંગ બ્રેકીંગ જેવા ઉદ્યોગો દ્વારા આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. સૌરાષ્ટ્રમાં આપબળે વિકસેલા ઉદ્યોગોના કારણે સૌરાષ્ટ્ર આજે MSMEનું હબ બન્યું છે તેમ તેમણે ઉમેર્યુ હતું. 

 ઝાલાવાડે પણ વેપાર-ઉદ્યોગોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હોવાની ખુશાલી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ સાથે જણાવ્યું હતું કે, ગુજરાતીઓ સાહસિક વેપારીઓ છે, દુનિયાભરમાં તેઓએ પોતાના ઉદ્યોગોનો વ્યાપ વધાર્યો છે ત્યારે ઝાલાવાડવાસીઓએ પોતાની તાકાત થકી દુનિયાના વેપાર-ઉદ્યોગના નકશામાં આગવું સ્થાન બનાવ્યું છે.

  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ માટે રાજ્ય સરકારે અનેક કાયદાઓના સરળીકરણથી  નાના-મધ્યમ કક્ષાના એકમો રોજગારી સાથો - સાથ સ્થાનિક લોકોના આર્થિક વિકાસની પણ નવી તકો ખુલે તે માટે સરકાર સતત સંકલ્પબદ્ધ છે. 

નાના એકમોને સરળતાથી બેન્ક સહાય મળે તે માટે બેન્ક ઓફ બરોડા સાથે પણ આપણે સમજૂતી કરી છે. જેના કારણે MSME ઊદ્યોગ સાહસિકોના રૂપિયા પાંચ કરોડ સુધીના પ્રોજેકટસમાં નાણાં સહાય ઉપલબ્ધ કરાવવા માટે બેન્ક માત્ર ૭ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપશે તથા પાંચ કરોડથી વધુના પ્રોજેકટસમાં નાણાં સહાય ઉપલબ્ધ કરાવવા માટે બેન્ક ર૧ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપશે તેની વિગતો તેમણે આપી હતી. 

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મીઠા ઉદ્યોગના વિકાસ માટે પાટડી વિસ્તારમાં આવેલ ખારોઘોડામાં સોલ્ટ ઈન્ડ્રસ્ટ્રીઝ બનાવવા માટે પણ રાજ્ય સરકાર કટીબધ્ધ છે. તેમણે એમ પણ જણાવ્યું કે હજુ વધુ MSME ઝાલાવાડની ભૂમિ પર આવે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. નિર્ણાયક્તા જ વિકાસનો આધાર છે, તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, રાજ્ય સરકાર એ ઝડપી નિર્ણાયક્તા અને પારદર્શિતા સાથે કાર્ય કરી રહી છે, જનતાની સુખાકારીની સાથે રાજયના વિકાસ માટે ઝડપી નિર્ણયો કરી વિકાસને નવી દિશા આપી છે. 

આ કાર્યક્રમમાં ઝિમ્બામ્વે સરકારના વાણિજય અને ઉદ્યોગ વિભાગના નાયબ મંત્રીશ્રી રાજ મોદીએ જણાવ્યું હતુ કે, ઝાલાવાડના આંગણે યોજાયેલ આ ગ્લોબલ ઝાલાવાડ કાર્યક્રમમાં આવીને આનંદની લાગણી અનુભવું છુ. તેમણે ઝિમ્બામ્વેમાં ઔદ્યોગિક રોકાણ માટે ઉદ્યોગકારોને આહવાન આપી આ માટે તમામ સહકાર આપવાની ખાત્રી આપી હતી.

 કાર્યક્રમમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના બ્રહ્મવિહારી સ્વામીએ આર્શિવચન પાઠવી ઝાલાવાડના સંસ્કાર – સંસ્કૃતિ ઉજાગર થાય તેવા યથાર્થ પ્રયાસો થકી મૂલ્ય આધારીત વેપાર – ઉદ્યોગ કરવા તેમજ નિતી આધારિત વિકાસ કરી કાયદાઓના પાલન થકી રાજય – રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા આહવાન કર્યું હતુ.  

આ પ્રસંગે દિપપ્રાગટ્ય કરી મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આ તકે મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોએ મેગા એક્ઝીબીશન સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. 

આ કાર્યક્રમમાં સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતીના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઈ. કે. જાડેજા, જી.આઈ.ડી.સીના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂત, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા નિગમના ચેરમેનશ્રી શંકરભાઈ દલવાડી, રાજયસભાના સાંસદશ્રી શંભુપ્રસાદ ટુંડિયા, MSME ના વિદેશી પ્રબંધક કે. એસ. શાહ સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ. 

આ પ્રસંગે સાંસદશ્રી ડો. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખશ્રી વીપીન ટોળિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશકુમાર રાજયગુરૂ, સુરસાગર ડેરીના ચેરમેનશ્રી બાબાભાઈ સભાડ, અગ્રણી સર્વશ્રી હરદેવસિંહ પરમાર, મંગળસિંહ પરમાર, કિરીટસિંહ રાણા, રણજીતસિંહ ઝાલા, યોગશભાઈ બોક્ષા, વર્ષાબેન દોશી, પ્રકાશભાઈ વરમોરા, શંકરભાઈ વેગડ, ગૌતમભાઈ ગેડીયા, રાજીવભાઈ શાહ, કિશોરસિંહ ઝાલા, ઘનશ્યામભાઈ સાવધરીયા, નરેશ કૈલા, સહિતના ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના હોદેદારો તેમજ રાજ્ય અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહયાં હતાં.

(6:51 pm IST)