Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં કાતિલ ઠંડી : નલીયા ૪.૬ ડિગ્રી

લુઘતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતર્યો : ઠંડીમાં ઠુંઠવાતુ જનજીવન

રાજકોટ, તા. ર૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે અને લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરવા લાગ્યો છે આજે નલીયાનું સૌથી નીચુ તાપમાન ૪.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

જયારે રાજકોટમાં લઘુતમ તાપમાન ૧ર ડિગ્રી,  ભુજમાં ૯ ડિગ્રી, અમરેલીમાં ૯.ર ડિગ્રી તાપમાન નોંધાયું છે.

શિયાળો અસલ મિજાજ ધારણ કરી રહ્યો છે. ગુરૂવારે કચ્છમાં કાતિલ ઠંડી સાથે સૌરાષ્ટ્રભરમાં શીતલહેર ફરી વળી હતી, તો આગામી બે-ત્રણ દિવસ ઠંડીનું પ્રમાણ હજુ વધવાની આગાહી છે.

રાજકોટમાં સવારે કાતિલ ઠંડો પવન ફૂંકાયો હતો અને તાપમાન ૧૧.૭ ડિગ્રી થઇ જવા પામ્યું હતું. શહેરના માર્ગો પર અવરજવર ઘટી ગયાનું જણાતું હતું. જામનગરમાં બુધવારે લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રીએ પહોંચી ગયા બાદ રાત્રત્રીના બેઠા ઠારે જનજીવન બાનમાં લીધું હતું, તો ગુરૂવારે વધુ એક ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન આ સીઝનમાં બીજી વખત ૧૦ ડિગ્રીએ પહોંચ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં કાતિલ ઠંડીની જનજીવન ઉપર ભારે અસર જોવા મળી રહી છે.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢઃ જૂનાગઢમાં ઠાર સાથે તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળતા લોકો ઠુઠવાય ગયા હતા.

આજે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયુ હતું જયારે ગિરનાર ખાતે ૯ ડિગ્રી ઠંડી રહી હતી.

પરંતુ આજે વાતાવરણમાં ભેજ ઘટીને ૪૧ ટકા થઇ ગયો હતો પરંતુ ઠાર વધતા ઠંડી વધુ આક્રમક બની હતી.

સવારે ૩.૨ કિમીની ઝડપે ઠંડો પવન પણ ફુંકાતા વાતાવરણ બર્ફીલુ થઇ ગયુ હતું.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૨૫.૬ મહતમ,૧૩ લઘુતમ, ૫૫ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬.૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.(

(11:12 am IST)