Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

મોરબીના ઢુવા ચોકડીથી માટેલધામનો રસ્તો બિસ્મારઃ લોકો હેરાન - પરેશાન

મોરબી તા. ૨૭ : મોરબીથી શરૂ કરીને વાંકાનેર સુધી સિરામિકની ફેકટરીઓ સ્થપાઈ ચુકી છે જોકે સિરામિક ઝોનમાં રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. માળખાકીય સુવિધાના અભાવે ઉદ્યોગનો વિકાસ રૃંધાઇ રહ્યો છે ત્યારે માટેલ રોડ પરની સિરામિક ફેકટરીના સંચાલકોએ કલેકટરને આવેદન આપીને માટેલ રોડ રીપેર કરવા પંદર દિવસનું અલ્ટીમેટમ આપી દીધું છે.

મોરબી જીલ્લામાં આવેલા પવિત્ર માટેલને યાત્રાધામમાં સમાવવામાં આવ્યું છે. હજારો શ્રદ્ઘાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન માટેલ ખાતે દર્શનાર્થીઓની ભીડ હમેશા રહેતી હોય છે જોકે ઢુવા ચોકડીથી લઈને માટેલ ધામ સુધીનો રોડ બિસ્માર હાલતમાં છે જેથી પગપાળા જતા ભકતો માટે મુશ્કેલીઓ સર્જાય છે તે ઉપરાંત આ માટેલ રોડ પર અનેક સિરામિક ફેકટરીઓ પણ કાર્યરત છે જે ફેકટરીના સંચાલકો, કર્મચારીઓને આવવા જવા ઉપરાંત માલનું પરિવહન કરતા ભારે વાહનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે માટેલ રોડ પર આવેલી સિરામિક ફેકટરીના સંચાલકોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને માટેલ રોડનું રીપેરીંગ પંદર દિવસમાં કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે અને જો રીપેરીંગ ના થાય તો નાછુટકે રસ્તા રોકો સહિતના આંદોલનો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે આ મામલે જીલ્લા કલેકટર આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે રોડનું કામકાજ એક સપ્તાહમાં શરુ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી તકે રોડનું કામ કરવામાં આવશે જેથી ઉદ્યોગપતિઓ અને શ્રધ્ધાળુઓને મુશ્કેલીમાંથી છુટકારો મળી શકે.

(12:15 pm IST)