Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

જોડીયાના હડીયાણાની તસ્લીમનું રાજકોટમાં શંકાસ્પદ મોતઃ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું

માવતરનો તસ્લીમને ત્રાસ હોવાનો આક્ષેપઃ અઢી વર્ષમાં કદી માવતરે આવવા નહોતી દેવાઇઃ ચક્કર આવી : ગયાનું સાસરિયા કહે છેઃ પોસ્ટમોર્ટમ બાદ સાચુ કારણ ખુલશેઃ ત્રણ માસનો પુત્ર મા વિહોણો

રાજકોટ તા. ૨૭: ગંજીવાડા-૨૪માં સાસરૂ ધરાવતી અને જોડીયાના હડીયાણા ગામે માવતર ધરાવતી તસ્લીમ શબ્બીર કંડીયા (ઉ.૨૪) નામની પરિણીતાને રાત્રે ઘરે ચક્કર આવ્યા બાદ બેભાન થઇ જતા સિવિલમાં ખસેડાઇ હતી. પણ અહિ મૃત જાહેર કરાઇ હતી. હડીયાણાથી આવેલા મૃતકના ભાઇ જાવીદ અનવરભાઇ આંકડાએ બહેન તસ્લીમના મોત બાબતે શંકા દર્શાવતાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.

તસ્લીમને રાત્રે બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાઇ હતી. ઘરે ચક્કર આવ્યાનું પતિ-સાસરિયાએ કહ્યું હતું. જો કે અહિ મૃતદેહ જ પહોંચ્યો હોઇ હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. મૃતકના લગ્ન અઢી વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં ત્રણ માસનો પુત્ર શાહીદ છે.

તસ્લીમના ભાઇ જાવીદે આક્ષેપ કર્યો હતો કે બહેનને લાંબા સમયથી પતિ-સાસરિયાનો નાની-નાની વાતે માનસિક ત્રાસ હતો. અઢી વર્ષમાં તેણીને માવતરે પણ આવવા દેવાઇ નહોતી. તેનો પતિ શબ્બીર રિક્ષાચાલક છે. બહેનને એટેક આવી ગયાની અને ચક્કર આવ્યાની એમ બે જુદી વાત ફોનમાં જણાવાઇ હતી. આથી અમને મૃત્યુ અંગે શંકા ઉપજતાં ફોરેન્કિસ પોસ્ટમોર્ટમની માંગણી કરી છે. પોલીસ રિપોર્ટ બાદ કાર્યવાહી કરશે.

(10:58 am IST)