Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

મીતાણાના આશ્રમમાં દંપતિને ધોકાવી ર.૧૦ લાખની લૂંટ

અખંડ જ્યોત આશ્રમમાં બનાવઃ પટેલ વૃદ્ધા કુવરબેનને એક લૂંટારૂએ મોઢુ દબાવી પછાડી દીધા બીજા પાંચ લૂંટારાઓએ રોકડ-દાગીના લૂંટી લીધાઃ ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ

 મોરબી તા. ર૭ :... ટંકારા તાલુકાના મિતાણા ગામ પાસે આવેલ આશ્રમમાં રાત્રીના સમયે અચાનક ૬ યુવાન અજાણ્યા લૂંટારૂઓ આશ્રમમાંથી રૂ. ર.૧૦ લાખની રોકડ અને સોનાના દાગીનાની લૂંટને અંજામ આપી હવામાં ઓગળી ગયા હતાં. બનાવના પગલે રાત્રે પોલીસે નાકાબંધી કરી તપાસ આદરી હતી.

વિગત મુજબ મિતાણા ગામ પાસે આવેલ દિવ્યશકિત અખંડ જયોત આશ્રમ (ફાર્મ હાઉસ) ખાતે ગત રાત્રીના ફરીયાદી અને આશ્રમ માલિક કુંવરબેન દેવજીભાઇ અને તેમના પતિ દેવજીભાઇ કાટાભાઇ મેર, પટેલ સુતા હતા ત્યારે મધ્ય રાત્રીએ કંઇક ખખડવાનો અવાજ આવતા આશ્રમનો દરવાજો ખોલી જોયું તો સામે આશરે રપ થી ૩૦ વર્ષના ૬ યુવાનો ઉભા હતાં. અને દેવજીભાઇને જોતા જ ધકકો મારી પાડી દીધા હતાં. દેવજીભાઇએ રાડા રાડી કરતા આરોપીઓએ તેમનું મોઢુ દબાવી બંધ કરી દીધુ હતું અને હોલના કબાટમાં પડેલ રૂ. ૮પ હજાર રોકડા ઉઠાવી લીધા હતાં. દરમિયાન દેવજીભાઇના પત્ની ફરીયાદી કુંવરબેન ત્યાં આવી ચડતાં તેને હાથમાં પહેરેલ ચાર તોલાની સોનાની ચાર બંગડી કી. રૂ. એક લાખ અને ગળામાં પહેરેલ એક તોલાનો ચેન રૂ. રપ હજાર આરોપીઓએ બળજબરી પૂર્વક કાઢી લીધા હતાં. ફરીયાદીને તેના પતિ છોડાવવા જતા આરોપીઓએ તેમને વાંસાના, હાથના, ખભાના ભાગે ધોકા મારી ઇજાઓ કરી આરોપીઓ કુલ રૂ. ર.૧૦ લાખની લૂંટને અંજામ આપી નાસી છૂટયા હતાં. પોલીસે નાકાબંધી કરી હતી.

(3:23 pm IST)