Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

ભજન ઉપર બોલી ન શકાય, ભજન એટલે પ્રેમઃ પૂ.મોરારીબાપુ

ભાવનગરનાં તલગાજરડા-ચિત્રકુટધામમાં સંતવાણી સન્માન, ભજન વિચાર સંગોષ્ઠી સંપન્ન

ઇશ્વરીયા તા. ર૭ :.. ચિત્રકુટધામ-તલગાજરડા ખાતે 'ભજન વિચાર' સંગોષ્ઠી અને સંતવાણી સન્માન પ્રસંગે શ્રી મોરારીબાપુએ કહયું કે, ભજન ઉપર બોલી ન શકાય, ભજન એટલે પ્રેમ અહિ રાત્રે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાતના પ્રાચીન ભજન સાહિત્ય - સંતવાણીના ગાયકો અને વાદકો કે જેમણે આ પવિત્ર સંસ્કાર સરવાણીને વહેતી રાખવામાં પોતાની આજીવન ઉપાસના દ્વારા સેવા આપી છે તેવા વિયમાન કલાકારોને સંતવાણી સન્માન કાર્યક્રમમાં રવિવારે શ્રી મોરારીબાપુના હસ્તે સંતવાણી પદક થી વંદના થઇ, જેમાં સંતવાણીના આદિ સર્જક તરીકે  પ્રીતમદાસના પ્રતિનિધિ  હિતુલકુમાર પટેલ, ભજનિક  લક્ષ્મણ બારોટ, તબલા વાદક  નરેન્દ્ર મહેતા, બેન્જો વાદક ખંડેરાવ જાદવ, અને મંજીરા માટે દલપતરામ દેશાણીના સમાવેશ થાય છે.

સંતવાણી સન્માન પ્રસંગે શ્રી મોરારીબાપુએ કહયું કે, ભજન ઉપર બોલી ન શકાય, ભજન એટલે પ્રેમ, ભજન એ આકાશ રૂપી પરમ તત્પ છે અને ત્રણેય લોકમાં વ્યાપ્ત છે. તેઓએ ભજન રચનાઓ ઉપર સંશોધનો અને ચર્ચાઓ કરવા આગ્રહ વ્યકત કર્યો.

ભજન વિચાર સંગોષ્ઠીમાં હર્ષદ ત્રિવેદીના પ્રભાવી સંયોજન સાથે ભજન સ્વરૂપ વિચાર-બંસરી, મોરલી રૂપકાત્મક ભજનો, વિષે સુરેશ જોષી, સંતવાણીના સર્જક - સંતકવિ શ્રી પ્રીતમદાસ વિષે પ્રશાંત પટેલ અને ગુજરાતી સંત સાહિત્યની પૃષ્ઠ ભૂમિકા ઇ. સ. ૧૯૦૧ થી ર૦૦૦ વિષે રમેશ મહેતા દ્વારા અભ્યાસપૂર્ણ ઉદબોધનો થયા હતાં.

પ્રારંભિક સંચાલન - સંકલનમાં શ્રી હરિશ્ચંદ્ર જોષી રહ્યા હતાં. અહીં રાત્રે સુપ્રસિધ્ધ ભજનીકો દ્વારા સંતવાણી રજૂ થયેલ.

કાર્યક્રમમાં  શ્રી ભદાયુભાઇ વચ્છરાજાણી, શ્રી નિરંજનભાઇ રાજયગુરૂ, શ્રી દલપતભાઇ પઢીયાર, શ્રી ભીખુદાન ગઢવી સહિત મોટી સંખ્યામાં બિંધાનો, રસિકો જોડાયા હતાં.

(12:00 pm IST)