Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

જૂનાગઢ લીલી પરીક્રમામાં ૪૦૦ ભાવિકોને છૂટ

૨ વર્ષ સુધી કોરોનાના કારણે ભાવિકો વગર પ્રતિકાત્મક રીતે યોજાયેલ પરીક્રમામાં આ વખતે ત્રીજા વર્ષે મર્યાદીત સંખ્યામાં ભાવિકો લાભ લઈ શકશે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૭ :. દર વર્ષે જૂનાગઢ ખાતે દેવદિવાળીથી ગીરનારની લીલી પરીક્રમા યોજાઈ છે, પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે પ્રતિકાત્મક રીતે ગીરનાર લીલી પરીક્રમાનું આયોજન કરવામાં આવ્યુ હતુ પરંતુ આ વર્ષે કોરોના કેસ ઘટતા તા. ૧૪ નવેમ્બરથી ગીરનારની લીલી પરીક્રમા યોજાશે. જેમાં ૪૦૦ લોકો જ ભાગ લઈ શકશે તેમ આજે સાધુ-સંતો અને તંત્રની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં જાહેર કરવામાં આવ્યુ છે.

આજે બપોરે કલેકટર કચેરી ખાતે સાધુ-સંતો અને કલેકટર રચિત રાજની ઉપસ્થિતિમાં લીલી પરીક્રમાના આયોજન માટે મીટીંગ યોજાઈ હતી. આ બેઠકમાં ઉતારા મંડળના ભાવેશ વેકરીયા સહિતના અનેક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષ બાદ ત્રીજા વર્ષે લીલી પરીક્રમા યોજવી કે નહિ ? તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ સાધુ-સંતો અને આગેવાનોના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા.

મીટીંગના અંતે સર્વાનુમતે જાહેર કરવામાં આવ્યુ હતુ કે આ વર્ષે તા. ૧૪ નવેમ્બર અને દેવદિવાળીથી લીલી પરીક્રમા યોજાશે. જેમા માત્ર ૪૦૦ લોકો જ જોડાઈ શકશે.

આ અંગે ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરીયાએ જણાવ્યુ હતુ કે વિધિવત રીતે પરીક્રમાનું આયોજન કરવામાં આવશે અને રાત્રી રોકાણ માટે પણ તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવી છે. આ માટે ઉતારા મંડળ દ્વારા કરેલી રજૂઆતને સફળતા મળી છે.

પરીક્રમામાં કો-ઓર્ડીનેટર ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા અને ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરીયા કરશે.

આ પરીક્રમામાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. તેમજ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

(2:51 pm IST)