Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

મુંદરા ડ્રગ્સકાંડમાં અફઘાની મોહમ્મદ ખાનની ધરપકડ : કૉર્ટે ૩ દિવસના રીમાન્ડ પર ધકેલ્યો

ખાનને પતિયાલા કૉર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝીટ વૉરન્ટ પર અમદાવાદ લાવી ખાસ કૉર્ટમાં રજૂ કરાયો હતો

અમદાવાદઃ મુંદરામાંથી પકડાયેલાં ૨૧ હજાર કરોડના ડ્રગ્સકાંડમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ અફઘાન નાગરિક મોહમ્મદ ખાનની ધરપકડ કરી છે. ખાનને પતિયાલા કૉર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝીટ વૉરન્ટ પર અમદાવાદ લાવી ખાસ કૉર્ટમાં રજૂ કરાયો હતો. કૉર્ટે ખાનના ૩ દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે. માદક દ્રવ્યોના કારોબારના વ્યાપક ષડયંત્ર અંતર્ગત આરોપીનું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ સાથે કનેક્શન હોવાની શંકા એનઆઈએ દ્વારા વ્યક્ત કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આ કેસમાં ત્રણ આરોપી હાલ એનઆઈએની કસ્ટડીમાં છે. આરોપીઓની પૂછતાછમાં ખાનનું નામ સામે આવતાં તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. ખાનની ધરપકડ માટે લૂકઆઉટ નોટીસ જારી કરાઈ હતી. થોડાંક દિવસ અગાઉ તે દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાઈ ગયો હતો. ગત સપ્ટેમ્બર માસમાં ટેલ્ક સ્ટોન પાઉડરની આડમાં મુંદરા બંદરે ૨૧ હજાર કરોડ કિંમતનું હેરોઈન લેન્ડ થયું હતું. જેને ડીઆરઆઈએ ઝડપી પાડ્યું હતું.

(9:39 pm IST)