Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રની પ્રતીતિ

મંત્રી શ્રી સૌરભભાઇ પટેલની અધ્યક્ષતમાં ગઢડા તાલુકામાં એકતાયાત્રાનું સ્વાગત

બોટાદ, તા.૨૭: બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી - એકતા યાત્રામાં રાજયના ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલની સાથે મોટી સંખ્યામાં બાઈક સવારો પણ જોડાયા હતા. પીપળીયા ગામથી શરૂ થયેલી આ એકતા યાત્રાનું રૂટમાં આવતા, સુરકા, નિંગાળા, નાના ઝીંઝાવદર, ઉગામેડી, ગઢડા અને માંડવધાર સહિતના ગામો ખાતે ફરી હતી. જયાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતુ કે, એકતા અને અખંડીતતાનો સંદેશ લઈ ગુજરાતના ગામડે ગામડે એકતા યાત્રા ફરી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના વિચારને જીવનમાં ઉતારી પ્રત્યેક વ્યકિતને એક બનવા અનુરોધ કરતાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, એકતા થકી જ ગામનો વિકાસ ઝડપી બનશે.

તેમણે જણાવ્યું હતુ કે, આપણા દેશને અખંડ રાખવા સરદાર વલ્લભભાઈ પટેલનું આગવું યોગદાન રહ્યું છે. તેમના એકતાના વિચારો જન – જન સુધી પહોંચે તે જરૂરી છે. અખંડ ભારતની આગવી વૈશ્વીક ઓળખ સમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ એટલે એક ભારત – શ્રેષ્ઠ ભારતની પ્રતીતિ.

આ પ્રસંગે અગ્રણીશ્રી સુરેશભાઈ ગોધાણીએ પ્રસંગિક ઉદ્દબોધન કર્યું હતુ. કાર્યક્રમ બાદ મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોએ એકતાના શપથ લીધા હતા. ત્યારબાદ મંત્રીશ્રીએ એકતા યાત્રાની ઝંડી ફરકાવી એકતા રથને પ્રસ્થાન કરાવ્યું હતુ.

આ એકતા યાત્રાના સબંધિત ગામમાં આગમન પ્રસંગે એકતા રથનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન તથા પૂજા-આરતી વગેરે કરવામાં આવી હતી. આ પ્રસંગે ડોકયુમેન્ટરી ફિલ્મ શો – સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે દેશની એકતા અખંડિતતાના મહાન શિલ્પી અને લોખંડી પુરૂષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવનથી લોકોને માહિતગાર કરવા તેમના જીવન – કાર્યોને આલેખતા સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ.

 આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશીષ કુમાર, અગ્રણીઓ સર્વશ્રી છનાભાઈ કેરાલીયા, મનહરભાઈ માતરીયા, સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતા.  

એસ.એસ.સી. તથા એચ.એસ.સી.ના ઉમેદવારીના  માર્ગદર્શન

બોટાદઃ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, બોટાદની યાદીમાં જણાવવામાં આવે છે કે,  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્રારા માન્યતા પ્રાપ્ત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ તેમજ સંસ્કૃત પ્રથમાની પાઠશાળાના પ્રધાનાચાર્યશ્રીઓને જણાવવાનું કે, આગામી માર્ચ-૨૦૧૯ માં લેવાનાર ધોરણ-૧૦ (એસ.એસ.સી), ધોરણ-૧૨ એચ.એસ.સી (સામાન્ય પ્રવાહ) અને ધોરણ-૧૨(વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષામાં ઉપસ્થિત થનાર નિયમિત, રીપીટર તથા પૃથક, ખાનગી નિયમિત, ખાનગી રીપીટર ઉમેદવારોના આવેદનપત્રો માટેની તાલીમ અને માર્ગદર્શન  તા.૩૦/૧૦/૨૦૧૮, મંગળવારે સવારે ૧૧ કલાક થી ૨ કલાક દરમ્યાન BISAG ની ચેનલ નંબર-૨ પરથી આપવામાં આવશે. જેથી તમામ આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને વહીવટી કર્મચારીઓએ આ તાલીમ અચૂક નિહાળવા જણાવવામાં આવે છે.(૨૩.૨)

(12:09 pm IST)