Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

યુવાનોની શકિતને યોગ્ય તક આપવા માટે ભરતી મેળા યોજાય છેઃ મોહનભાઇ કુંડારીયા

મોરબી, તા.૨૭:  મોરબી જિલ્લા કક્ષાના રોજગાર તેમજ એપ્રેન્ટીસશીપ ભરતી મેળા પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે યુવાનોમાં તો અપાર શકિત પડેલી છે આ શકિતને યોગ્ય દિશામાં ઉપયોગ થાય તે માટે સરકાર દ્વારા ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

મોરબીના એલ.ઇ. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગુરુવારે રોજગાર વિનિમય કચેરી દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળાના ઉદ્દદ્યાટન પ્રસંગે અધ્યક્ષીય પ્રવચનમાં બોલતા સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે યુવાનોએ ધ્યેય નક્કી કર્યા બાદ અથાગ મહેનત અને પુરુષાર્થ કરે તો જ જીવનમાં આગળ વધી શકાય છે. ઉપરાંત રોજગાર દાતા સંસ્થાઓ અને કંપનીઓને પણ ઉદારદિલ રાખી બિન અનુભવી યુવાનોને નોકરીની તક આપી અનુભવ પૂરો પાડવા અપીલ કરી હતી.

આ પ્રસંગે મોરબી વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ રાજય સરકાર દ્વારા રોજગારી આપતો અને યુવાનોની કારકિર્દીને દ્યાટ આપતો કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પાઠવી યુવાનોને મહેનત કરીને પોતાનું ભવિષ્ય સુવર્ણ બનાવવા અપીલ કરી હતી.

પૂર્વ ધારાસભ્ય કાંતીભાઇ અમૃતિયાએ યુવાનોને જયાં પણ રોજગારી મળે તે કંપનીમાં પ્રમાણિકતાથી કામ કરવા અને ફકત નોકરી વાંચ્છુક જ નહીં ભવિષ્યમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ નોકરી દાતા બનવા પણ પ્રેરણા આપી હતી.

જિલ્લા પોલીસ વડા ડાઙ્ખ. કરણરાજ વાદ્યેલાએ આ ભરતી મેળામાં ૨૦-૨૨ વર્ષના યુવાનોની ઉપસ્થિતિ જોઇ તેમણે રોજગાર અંગે જાગૃતિ અને યુવાનોમાં કામ કરવાની ધગશને બિરદાવી હતી. અને રાજય સરકાર દ્વારા જી.પી.એસ.સી. અને ગૌણ સેવા પસંદગી મંડળ જેવી સંસ્થાઓએ પણ દર વર્ષે નિયમીત પરીક્ષા યોજીને ભરતી કરતી હોવાની વિગતો આપી હતી.

જિલ્લા રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રાએ રોજગાર ભરતીનો ઉદ્દેશ્ય અને રોજગાર કચેરી દ્વારા કરાતી વિવિધ પ્રવૃતિ અંગે સૌને માહિતગાર કર્યા હતા. ઉદઘાટન કાર્યક્રમના પ્રારંભે નિવાસી અધિક કલેકટર કેતન.પી. જોષી દ્વારા મંચસ્થ મહાનુભવોને આવકારી રોજગાર વાંચ્છુ યુવાનોને તેમના ભણતરને અનુરૂપ રોજગારી મળે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારઘી, જિલ્લા ભાજપના મહામંત્રી જયોતિસિંહ જાડેજા તથા હિરેનભાઇ પારેખ, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઇ પાંચોટીયા, લાખાભાઇ જારીયા, મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રી ઝાલા, સહિત મોટી સંખ્યામાં જિલ્લા વહિવટી તંત્રના સબંધિત અધિકારીઓ, કર્મચારીઓ અને સમગ્ર મોરબી જિલ્લામાંથી રોજગારવાંચ્છુ યુવાનો, યુવતીઓ, નોકરી દાતા સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:08 pm IST)