Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

બિલ્ડરોના બાંધકામ ક્ષેત્રને લગતા વિવિધ પ્રશ્નો મુદ્દે જામનગર યુવા બિલ્ડર્સ કમિટીની સફળ રજૂઆત

જામનગર તા.૨૭: યુવા બિલ્ડર્સ કમિટીના આગેવાનો દ્વારા ધારાસભ્ય અને રાજય સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ની આગેવાની હેઠળ જામનગર સહિત સૌરાષ્ટ્રના બાંધકામ ક્ષેત્રને લગતા વિવિધ પ્રશ્નો અંગે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી પાસે રજુઆત કરેલ હતી.

જેને કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, મંત્રી જવાહરભાઇ ચાવડા, મંત્રી વિભારીબેન દવેને સાથે રાખી જામનગર યુવા બિલ્ડર્સ કમિટિએ જીતુભાઇ વાઘાણીની આગેવાની હેઠળ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યાં બિલ્ડરોના બાંધકામ ક્ષેત્રને લગતા વિવિધ પ્રશ્નો અંગે રજુઆત કરી હતી જેમાં મુખ્યત્વે નોન ટી.પી.એરીયામાં નિયત સમય પહેલાં મંજુર થયેલ બિનખેતી તેમજ સબ પ્લોટીંગના કીસામાં, ૨૫ ચો.મી.ના પ્લોટમાં કપાત નહી કરવા બાંધકામ ક્ષેત્રે એફ.એસ.આઇ. તેમજ ચાર્જેબલ એફ.એસ.આઇ. બાંધકામને લઇને વિવિધ રસ્તાઓ પ્લોટમાં ઓપન ટુ સ્કાય જેવા વિવિધ પ્રશ્નો અંગે મુખ્યમંત્રી સમક્ષ આગેવાનોએ રજુઆત કરતાં મુખ્યમંત્રીેએ આ પ્રશ્નોનું ઝડપભેર નિરાકરણ લાવશું તેવી ખાત્રી આપી હતી.

આ રજુઆત સમયે યુવા બિલ્ડર્સ કમિટિના સુરેશભાઇ વસરા,મુકેશભાઇ અભંગી, જયેશભાઇ સંઘાણી, સંજયભાઇ કાંબરીયા, અનિલભાઇ અજુડીયા, ભગવાનજીભાઇ લીંબાસીયા, રામભાઇ બડીયાવદરા,રમેશભાઇ અભંગી, હરદાસભાઇ ધ્રાંગુ વિગેરે સાથે જોડાયા હતા.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા જામનગર યુવા બિલ્ડર્સ ગ્રુપ દ્વારા જે કાંઇ પ્રશ્નો રજુ કરેલ હતા તેમાંથી મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી જતાં અમો જામનગર યુવા બિલ્ડર્સ કમિટિ વિજયભાઇ રૂપાણી દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રે જે ક્રાંતીકારી નિયમોમાં સરળતા લાવવામાં આવી છે તેનાથી બાંધકામ ક્ષેત્રને વેગ મળશે. આ માટે અમો ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, તેમજ રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીનો અમે હદયપૂર્વક જામનગર યુવા બિલ્ડર્સ કમિટિ આભારની લાગણી વ્યકત કરીએ છીએ. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નિર્ણયથી જામનગરના બાંધકામ ક્ષેત્રે નવી દિશા અને શહેરનો વિકાસ થશે તેમજ લોકોને પણ આ નિયમોથી સુવિધા યુકત ઘરના ઘરનું સ્વપ્ન પુર્ણ થશે.(૧.૨૦)

(1:05 pm IST)