Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

જુનાગઢમાં નવરાત્રી દરમિયાન રોડ-સ્ટ્રીટ લાઇટ અને સુરક્ષાના પ્રશ્નો ઉકેલો : ગીતાબેન પરમાર

કાળવા ચોક, વાઘેશ્વરી મંદિર, ગાયત્રી મંદિર, ચામુંડા મંદિરના રસ્તાઓમાં ખાડા પુરવા ભાજપ કોર્પોરેટરની મ્યુ. કમિશનરને રજૂઆત

જુનાગઢ, તા. ર૭ : અત્રેના ભાજપના કોર્પોરેટર ગીતાબેન મોહનભાઇ પરમારે નવરાત્રી દરમિયાન રોડ, સ્ટ્રીટ લાઇટ અને સુરક્ષાના પ્રશ્નો ઉકેલવા રજૂઆતો કરી છે.

આ અંગે ગીતાબેને મ્યુ. કમિશનરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે, આગામી તા. ર૯થી નવરાત્રી પ્રારંભ થતી હોય ત્યારે વાઘેશ્વરી મંદિર, ગાયત્રી મંદિર, ચામુંડા મંદિરે રોજના હજારો દર્શનાર્થીઓ દર્શન માટે અવર-જવર કરતા હોય જેથી મંદિર આવતા જાહેર રોડ કાળવા ચોકથી દાતાર રોડ જઇ વાઘેશ્વરી મંદિર સુધીનો તથા જવાહર રોડ થઇ સેજની ટાંકી થઇ જતા ગીરનાર રોડપર પડેલ ખાડાઓ માટી કે કવોરીસ્પોઇલથી પૂરવામાં આવે કે જેથી દર્શનાર્થીઓને મુશ્કેલી ન પડે.

આ ઉપરાંત તેઓએ નવરાત્રી દરમ્યાન સવારના પ-૩૦ વાગ્યાથી વોર્ડ નં. ૯માં આવેલ વાઘેશ્વરી મંદિર, ગાયત્રી મંદિર, ચામુંડા મંદિરે દર્શનાથીઓ ઉમટી પડતા હોય ત્યારે આ વિસ્તારની સ્ટ્રીટ લાઇટો અમુક બંધ છે અને અમુક ચાલુ-બંધ થતી હોય જેથી આ ત્રણે મંદિરની ત્થા તે રૂટોની સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા અન સાંજના ૪ થી મોડીરાત સુધી મંદિરે દર્શનાર્થે જતા હોય અને સાંજના આ વિસ્તારની સ્ટ્રીટલાઇટ ૭-૩૦ વાગ્યા પછી થતી હોય જયારે સાંજના ૬-૩૦ વાગ્યામાં અંધારૂ થઇ જતું હોય જેથી ટાઇમમાં પણ ફેરફાર સાંજના ૬-૩૦ વાગ્યે લાઇટ ચાલુ થાય તેવી વ્યવસ્થા કરવા પણ માંગ ઉઠાવી છે.

જયારે ગીતાબેને પોલીસ કમિશનરને પણ આવેદાનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે વોર્ડ નં. ૯ના ગીરનાર દરવાજા વિસ્તારમાં આવેલ વાઘેશ્વરી મંદિર, ગાયત્રી મંદિર, ચામુંડા મંદિર હોય અને આગામી તા. ર૯થી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આ મંદિરોમાં સાવરના પ-૩૦ વાગ્યાથી મોડી રાત્રી સુધી આ વિસ્તારોમાં દર્શનાર્થીઓની અવરજવર રહે છે. તેમાં ખાસ કરીને બહેનો વધારે પ્રમાણમાં દર્શને આવતી હોય છે ત્યારે સવારના વહેલા અંધારપટ હોય છે અને મોડીરાત્રે પણ અંધારપટ હોય જેનો ગેરલાભ કોઇ અસામાજીક તત્વો ન લે તે માટે નવરાત્રી દરમ્યાન આ મંદિરોના અવરજવર થતાં જાહેર રસ્તાઓ તથા મંદિરની આસપાસ પોલીસ બંદોબસ્ત ફાળવવા વિનંતી છે.

(1:04 pm IST)