Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ગાંધી સંદેશ યાત્રામાં જોડાવાને બદલે અમુક કોંગ્રેસી આગેવાનો ગાંધીજીના સંદેશને લોકો સુધી પહોંચાડી ધોરાજીમાંથી રોગચાળો દૂર કરવા મેદાને ઉતરશે

ધોરાજી તા. ૨૭: : સમગ્ર ધોરાજી શહેરમાં ડેન્ગ્યુ અને વાયરલ રોગચાળાએ માજા મૂકી છે ત્યારે તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ શહેરને બીમારીથી બચાવવા અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

ત્યારે આજરોજ ધોરાજી નગરપાલિકાના સત્તાસ્થાને રહેલ કોંગ્રેસના અમુક સુધરાઈ સભ્યો અને કોંગ્રેસના આગેવાનોએ પણ જનતા જનાર્દનની ચિંતા વ્યકત કરી લોકોને બિમારીઓમાં થી બહાર લાવવા અને રોગચાળો અટકાવવા માટે નિર્ધાર કર્યો છે. અને પોરબંદર થી ગાંધીનગર સુધીની ગાંધી સંદેશ યાત્રામાં જોડાવાને બદલે ધોરાજી શહેરના પછાત વિસ્તારોમાં જઇ ગાંધીજીનો સ્વચ્છતા અંગેનો   સંદેશ લોકો સુધી પોહચાડી સાચા અર્થમાં લોકસેવા કરવા જાહેરાત કરી હતી. મોટાભાગે રાજકીય નેતાઓ અને આગેવાનો ચૂંટણી પહેલા લોકોને જાતભાતના વાયદાઓ આપતા હોય છે પરંતુ ચૂંટાઈ ગયા બાદ લોકોની વ્યથા અને તેમના  પ્રશ્નોે સાંભળવાનો પણ સમય હોતો નથી જે જનતા જનાર્દનની કમનસીબી છે.      ધોરાજીના પૂર્વ શહેર કોંગ્રેસ  પ્રમુખ અને વર્તમાન નગરસેવક દિનેશ વોરા, નગરપાલિકાના ઉપ પ્રમુખ મકબુલભાઈ ગરાણા, નગરસેવકો જાગૃતીબેન રાજ્યગુરુ, જીતેન્દ્રભાઈ સોંદરવા, પ્રફુલભાઇ વઘાસિયા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા,અગ્રણી વિક્રમભાઈ વઘાસિયા,ધર્મેશભાઈ રાજ્યગુરુ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એ ગુજરાત કોંગ્રેસ  પ્રદેશ  પ્રમુખ તેમજ વિરોધ પક્ષના નેતાને લેખિત પત્ર પાઠવી જણાવ્યું હતું કે કે અમો કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મજબૂત સિપાઈઓ છીએ કોંગ્રેસ દ્વારા આયોજિત ગાંધી સંદેશ યાત્રા દ્વારા લોકોને ગાંધીજીના વિચારો નો સંદેશ પાઠવવો ખુબ જ સરાહનીય અને આવકારદાયક છે. પરંતુ હાલમાં ધોરાજી શહેરમાં ડેન્ગ્યુ અને વાયરલ રોગોએ સમગ્ર શહેરને ભયંકર ભરડામાં લીધું છે. ત્યારે લોકોને મુશ્કેલીના સમયે મદદરૂપ થવું એ  નૈતિક જવાબદારી છે. ધોરાજી વિસ્તારમાં રહેતા નાગરિકોએ કોંગ્રેસ પક્ષ પર અદમ્ય વિશ્વાસ રાખી ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત અને ધોરાજી નગરપાલિકા નું શાસન લોકમત દ્વારા કોંગ્રેસને સોંપ્યું છે. ત્યારે જનતાનો વિશ્વાસ માં ખરા ઉતરવાનો સમય આવ્યો છે.

આજે તારીખ ૨૭ ના રોજ પોરબંદર થી ગાંધીનગર સુધી નીકળનાર ગાંધી સંદેશ યાત્રા ધોરાજી ખાતે આવવાની છે. તેમનું આ ગાંધી સંદેશ યાત્રામાં જોડાવાને બદલે અમે પછાત વિસ્તારોમાં જઇ સ્વચ્છતા અંગેના માર્ગદર્શન તેમજ હાલ જે બિમારી વ્યાપી રહી છે. તેમાંથી લોકોને કેમ બહાર કાઢવા અને શહેરને રોગ મુકત થાય તે માટે જરૂરી સફાઈ નું કામ લોકોની સાથે રહી કરવાના છીએ. પૂજ્ય મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા. ત્યારે આજે ધોરાજીમાં વકરેલા રોગચાળા સામે સફાઈ મિશન ચલાવવું અત્યંત આવશ્યક છે.

અમો રાજકીય આગેવાનો અને હોદ્દેદારો તરીકે પદ ભોગવીએ છીએ તે જનતા જનાર્દનને આભારી છે. તો હાલ શહેરની જનતાને સરકારી તંત્રનો અને આગેવાનોના સહકારની આવશ્યકતા છે ત્યારે લોકોની સાથે રહેવું અને તેમની સેવા કરવી એક કર્મ પણ છે અને ધર્મ પણ છે. આ  પ્રકારની ભાવનાથી જોડાઈને અમો ગાંધી સંદેશ યાત્રામાં જોડાવાને બદલે લોકોની મુશ્કેલીઓ માં જવાનું વધારે પસંદ કરીશું.

આમ ધોરાજીના કોંગ્રેસના હોદ્દેદારો અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ ગુજરાત કોંગ્રેસ સમિતિ ને પત્ર પાઠવી જણાવ્યું હતું. હાલ ધોરાજી શહેર ભારે રોગચાળાનો સામનો કરી રહ્યું છે. ઘરે ઘરે માંદગીના ખાટલા અને દવાખાનાઓમાં દર્દીઓની કતારો છે. તાજેતરમાં જ એક આશાસ્પદ યુવાન રોગચાળાની ચપેટમાં આવી મોતને ભેટ્યો છે ત્યારે હવે ધોરાજી શહેરમાં સરકારી તંત્ર રાજકીય આગેવાનો સામાજિક સંસ્થાઓ સહુ કોઈએ સાથે મળી આ શહેરને રોગમુકત કરવા સહિયારો  પ્રયાસ કરવો જરૂરી રહેશે. (૧૭.૭)

(11:49 am IST)