Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ગુજરાતી ફિલ્મમાં 'આઈ લવ માય ઇન્ડિયા'ના કલાકારો ભાવનગરમાં

ભાવનગર તા.૨૭: આમ જુઓ તો ગુજરાતી ફિલ્મોમાં કોઈ સળંગ ફિલ્મ દેશભકિત પર હજી સુધી નથી બની. જે કેટલીક બની છે તેમાં અમુક દ્રશ્યો કે એકાદ ગીત દેશભકિત પર સાંભળવા મળી જતું હોય છે. પરંતુ દેશભકિતના રંગે રંગાયેલી ફિલ્મ કોઈ હજી સુધી બની હોય તેવું ધ્યાનમાં નથી આવતું. એટલે જ અગાઉ પ્રતિશોધ જેવી ફિલ્મ બનાવી ચુકેલા અભિનેતા, નિર્માતા રોહિત રાજને વિચાર આવ્યો કે એક દેશભકિતના વિષય પર ફિલ્મ બનવી જોઈએ. અને તેઓ સાથે દર્પણ સિંહ પરમાર તથા મહેશ સિંહ વગેરે સાથે જોડાઈને એક દેશભકિત પર આધારિત કથા તૈયાર કરી. ફિલ્મમાં અભિનેતા તરીકે દર્પણ સિંહ પરમાર તથા અંકિતા કોંકટી અભિનેત્રી છે જે દક્ષિણની ફિલ્મોમાં જાણીતું નામ છે. હમેશા આગળ રહેતા ગુજરાતીઓ દેશભકિત માટે પણ તત્પર અને તૈયાર જ હોય છે. એવી રીતે આ ફિલ્મમાં એક દેશભકત આર્મી ઓફિસર પણ નીડરતાપૂર્વક દુશ્મનોનો સામનો કરે છે. જે પાત્ર રીઅલ લાઈફમાં આર્મીમેન મહેશ સિંહ ભજવી રહ્યા છે. ફિલ્મમાં કુલ ત્રણ ગીતો છે જેમાંથી બે ગીતો દેશભકિત પર છે. એક ગીત તો હાલ યુટ્યુબ પર પણ જોવા અને સાંભળવા મળી રહ્યું છે. કદાચ આ પણ પહેલીવાર હોય કે કોઈ ગુજરાતી ફિલ્મમાં બબ્બે દેશભકિત ગીત સામેલ કરવામાં આવ્યા હોય. એક મિશન પાર પાડવા માટે દેશના સૈનિકો કેટલી બહાદુરી પૂર્વક લડે છે તે બતાવવાનો સફળ પ્રયાસ આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક રોહિત રાજ છે જેમણે ફિલ્મમાં ખૂંખાર વિલનની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત અન્ય કલાકારોમાં વસીમ સૈયદ, મિથુન ત્રિવેદી, કલ્પેશ જાની, સચિન રાવલ, રોહિત મહેતા, નિશીથ નાયક, અર્ચના, જાગૃતિ ગોસ્વામી અને રંજન રાઠોડ છે.ઙ્ગફિલ્મની રિલીઝને હવે માત્ર ૧૦ દિવસ જ બાકી છે અને ફિલ્મના કલાકારો તથા દેશભકત પ્રેક્ષકો પણ ફિલ્મ આવે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આવતીકાલે ૨૮ તારીખના રોજ ફિલ્મના કલાકારો ભાવનગર શહેરની મુલાકાત લેવાના છે. જેમાં ભાવનગરના જાણીતા સ્થળો પર ફિલ્મના પ્રમોશનની હાલ તૈયારી થઇ રહી છે.

(11:47 am IST)