Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

અમરેલીમાં મંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં રોજગાર ભરતી મેળો સંપન્ન

અમરેલી, તા.૨૭:રાજયવ્યાપી રોજગાર ભરતી મેળા પખવાડીયા અન્વયે અમરેલી જિલ્લા કક્ષાનો રોજગાર અને  ભરતી એપ્રેન્ટીસ ભરતી મેળો રાજયકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ અને યાત્રાધામના મંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષ સ્થાને સાંસદ નરણભાઇ કાછડીયાની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો. મંત્રી વિભાવરીબેન દવેએ જોબ ફેરમાં તાલીમાર્થી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા અને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રોજગારીને ખુબ પ્રાધાન્ય આપ્યું છે. રોજગાર વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમય થી રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઉમેદવારોને રોજગારીની સાથે સાથે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જવા માટે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે. ઉપસ્થિત રહેલા તમામ રોજગારવાંછુ યુવક-યુવતીઓને સંબોધતા એમણે કહ્યું હતું કે રાજય સરકાર તો રોજગારીની ભરપૂર તકો આપી રહ્યું છે પણ દરેક ઉમેદવારે ઉચ્ચ લાયકાતની સાથે સાથે કૌશલ્ય પણ કેળવવું જોઈએ. જો ઉમેદવારમાં કાર્ય કરવાનું કૌશલ્ય અને પૂરતી મહેનત હશે તો ખાનગી કંપનીઓમાં તેમજ સરકારી ક્ષેત્રે સારી કારકિર્દી દ્યડી શકાય છે.

આ કાર્યક્રમમાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયા એ જણાવ્યું હતું કે, યુવાનોને રોજગારી મળે એ માટે રોજગાર કચેરી દ્વારા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. આ જોબફેર અંતર્ગત એક જ છત નીચે વિદ્યાર્થીઓને પોતાની સ્કીલ્સ મુજબની નોકરી મેળવવામાં ઉપયોગી બને છે. વધુમાં એમણે જણાવ્યું હતું કે આજે એક યુવાનને રોજગારી મળવાથી એના કુટુંબનું જીવન ધોરણ ઊંચું આવે છે અને બીજાને પણ પ્રેરણા આપે છે.

આ કાર્યક્રમમાં મંત્રીશ્રી તથા ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા ૧૨ જેટલા યુવકોને એપ્રેન્ટિસશિપ પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે રોજગાર અધિકારીશ્રી સી. જે. દવેએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જયારે આભારવિધિ આઈ.ટી.આઈના પ્રિન્સિપાલશ્રી હિતેષભાઇ દવેએ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભરતી મેળામાં રાજયના વિવિધ શહેરોમાંથી ૧૧ જેટલી નોકરીદાતા કંપનીઓ હાજર રહી હતી. જેમાં સ્પાયર જોબ્સ, કોસમોસ, દિવ્યભાસ્કર, એલ.આઇ.સી, ટેક મહિન્દ્રા,મારુતિ સુઝુકી વગેરે જેવી કંપનીઓના મેનેજર્સ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, ઈ. ચા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એમ.ડોબરીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઈ હિરપરા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, પ્રાંત અધિકારીશ્રી ઓઝા સહિતના તમામ અધિકારી-કર્મચારીઓ તથા રોજગારવાચ્છુકો, તાલીમાર્થીઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(11:46 am IST)