Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ભાવનગરની અંધ ઉદ્યોગ શાળાના બાળકોએ મુંબઇની ધરતી પર કલાના ઓજસ પાથર્યા

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા ૨૭  : મુંબઇ નિવાસી શ્રી કિર્તીભાઇ શાહના વડપણ નીચે કાર્યરત અનમોલ ગ્રુપના સભ્યોએ વર્ષ ૨૦૧૮ માં ઓગષ્ટ માસના પ્રથમ રવિવાર તા. ૦૫-૦૮-૨૦૧૮ ના રોજ ફ્રેન્ડશીપ  દિવસની ઉજવણી અનોખી રીતે કરવા ભાવનગરની ૧૯૩૨ માં સ્થપાયેલી શિક્ષણના દીપ વડે ઝળહળતી વર્ષોથી કાર્યરત છે. ગુજરાતની આભૂષણ સમી સિદ્ધિ પ્રાપ્ત શાળાની મુલાકાત લીધી હતી.

અનમોલ ગ્રુપના યુવાનોએ તદન નવો ચિલો ચાતરી ૧૫૦ થી વધુ પ્રજ્ઞાચક્ષુ બાળકો સાથે વિશ્વ ફ્રેંડશિપ દિવસની અનોખી રીતે ઉજવણી કરી, બાળકોની સુષુપ્ત શકિતઓનો પરિચય મેળવ્યો હતો. બાહ્ય જગતને ચર્મચકક્ષુ વડે જોવાની જેમણે દ્રષ્ટિ ગુમાવી છે, તેવા બાળકોની અન્ય ઇન્દ્રિયોના કોૈશલ્ય વિકાસથી પ્રભાવિત થઇ, મુંબઇના અનમોલ ગ્રુપના યુવા છર્ગે શાળાના તમામ પ્રજ્ઞાચક્ષુ બાળકોને મુંબઇના આંગણે પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું. દેશની અર્થિક રાજધાની ગણાતા નગરમાં પ્રજ્ઞાચક્ષુ લોકોને આમંત્રિત કરી પોતાની શકિતઓ પ્રદર્શિત કરવા મોકો આપી, મુંબઇ નગરીના યુવાનોએ ખરી મિત્રતા નિભાવી છે.

અનમોલ ગ્રુપના આમંત્રણને માન આપી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના જનરલ સેક્રેટરી લાભુભાઇ સોનાણીના વડપણ નીચે મુંબઇ મુકામે તારીખ ૨૪ થી ૨૭ સપ્ટેમ્બર, ત્રણ દિવસ માટે ૨૦૦ થી વધુ લોકોની મોટી ટીમ ભાવનગરથી મુંબઇ ગઇ છે.

આ દિવસો દરમિયાન બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમ અને  મુંબઇ  દુરદર્શનના કાર્યક્રમોમાં જોડાયા છે. બુધવારના રોજ મુંબઇના '' પ્રબોધ ઠાકરે નાટયમંદિર'' બોરીવલી, મુંબઇ ખાતે મહાનુભાવો કાન્તીભાઇ શાહ, કિરીટભાઇ શાહ, જે.જે. રાવલ, ભરતભાઇ મથર્યા, કિર્તીભાઇ શાહ, સુભાષભાઇ શાહ, ભરતભાઇ શાહ (દેવગણા વાળા), તેમજ લાભુભાઇ સોનાણીના હસ્તે દીપ પ્રાગટય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ ઉદ્યોગ શાળાનાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ ડ્રામા, માઇમ, ફયુઝન ડાન્સ, ફેશન શો, નવા તથા જુના ફિલ્મી ગીતો જેવી અનેક કૃતિઓ મુંબઇના પ્રતિષ્ઠિત નાગરીકો સમક્ષ પ્રસ્તુત કરી હતી અનો ભાગ્યેશ વારાએ સુંદર લોકગીતોની રમઝટ બોલાવી હતી. જેથી લોકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા. સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઇ સોનાણીએ શાળાના વિઝન અને મિશન વિશેની વાત રજુ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા મુંબઇના કિર્તીભાઇ શાહના નેતૃત્વ હેઠળ અનમોલ ગ્રુપે ભારે જહેમત ઉઠાવી હતી.

(11:38 am IST)