Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

આવ્યો માની ભકિતનો અવસરઃ પ્રથમ નોરતે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા

સતત નવમાં વર્ષે ભકતો મા ખોડલના જય જયકાર સાથે પદયાત્રા થકી ખોડલધામ મંદિર પહોંચશે : મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી ધ્વજારોહણ કરાશે : નવરાત્રી દરમિયાન દરરોજ માતાજીને અવનવા શણગાર, હવન અને ધ્વજારોહણ કરી ભકતો કરશે આરાધના

રાજકોટ : ૨૯ સપ્ટેમ્બરથી હિંદુ ધર્મના સૌથી લાંબા તહેવાર નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ નવરાત્રિના પ્રથમ દિવસે ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા નીકળશે. આ પદયાત્રામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભકતો જોડાશે અને ખોડલધામ પહોંચી મા ખોડલના દર્શન કરી આશીર્વાદ લેશે. કાગવડ ગામથી ખોડલધામ મંદિરે પદયાત્રા થકી પહોંચ્યા બાદ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે. નવરાત્રિના નવે-નવ દિવસ માતાજીને અવનવા શણગાર, હવન અને ધ્વજારોહણ કરી ભકતો આરાધના કરશે. નવરાત્રિ દરમિયાન ખોડલધામ મંદિર પરિસર લાઇટિંગથી ઝગમગી ઉઠશે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સતત નવમાં વર્ષે રવિવારે પ્રથમ નોરતે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાશે. ખોડલધામ ટ્રસ્ટે ૨૦૧૧થી આસો મહિનાના પ્રથમ નોરતે ખોડલધામ સુધીની પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. જે ક્રમ આ વર્ષે પણ ચાલુ રાખી પ્રથમ નોરતે ૨૯ સપ્ટેમ્બરના રોજ સવારે ૭ કલાકે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની યોજાનાર પદયાત્રામાં હજારો શ્રદ્ઘાળુઓ જોડાશે અને મા ખોડલના જય જયકાર સાથે ખોડલધામ મંદિર પહોંચશે અને મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી ધ્વજારોહણ કરવામાં આવશે.  આ પદયાત્રામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ પણ જોડાશે. ઉપરાંત શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન-વેરાવળના ટ્રસ્ટીઓ, ખોડલધામના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કન્વીનરો, ખોડલધામ મહિલા સમિતિ, ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને તમામ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાશે.

આ વર્ષે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની યોજાનાર પદયાત્રાને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પદયાત્રાના માર્ગને સુશોભિત કરવાની તૈયારીઓ આરંભી દેવાઈ છે. અત્યારથી જ પદયાત્રાને લઈને ભકતોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. પદયાત્રાના રૂટ પર સ્વયંસેવકો વ્યવસ્થા જાળવવા ખડેપગે રહેશે. ખોડલધામ મંદિર ખાતે ભકતો માટે ફરાળ અને અલ્પાહારની વ્યવસ્થા કરાઈ છે. પ્રથમ નોરતે સવારે ૭ કલાકે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનો પ્રારંભ થશે. મા ખોડલના રથની આગેવાનીમાં ગરબા ગાતા ગાતા માઇ ભકતો પદયાત્રામાં જોડાઈને ખોડલધામ મંદિરે પહોંચશે. પદયાત્રામાં બહોળી સંખ્યામાં ભાઈઓ-બહેનો જોડાશે અને ખોડલધામ પહોંચીને મા ખોડલની મહાઆરતી કરી મંદિરના શિખર પર ધ્વજારોહણ કરી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરશે.

નવરાત્રિ દરમિયાન દરરોજ ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરાશે અને મા ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી ભકતો દ્વારા મા ખોડલની આરાધના કરવામાં આવશે. નવરાત્રિમાં નવે-નવ દિવસ મંદિર પરિસરને લાઇટિંગ અને ફૂલોનો શણગાર કરવામાં આવશે. ઉપરાંત ખોડલધામ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની માફક ભાઈઓ-બહેનો પારિવારિક માહોલમાં રાસ-ગરબે રમી શકે તે માટે વડોદરા, સુરત, જામનગર, જૂનાગઢ, અમરેલી અને રાજકોટના ચાર ઝોનમાં ખોડલધામ નવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે.

(11:29 am IST)