Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

પોરબંદર કીર્તી મંદિરથી કોંગ્રેસ દ્વારા ગાંધી સંદેશ બાઇક યાત્રાનો પ્રારંભ

સાત જેટલા શહેર-જિલ્લામાંથી બાઇક યાત્રા પસાર થઇને ગાંધી જયંતીએ અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમ પહોંચશેઃ પરેશભાઇ ધાનાણી, અર્જુનભાઇ મોઢવાડીયા સહીત કોંગ્રેસ આગેવાનોની ઉપસ્થિતિમાં રેલીનું પ્રસ્થાન

 પોરબંદર, તા. ર૭ :  કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની ૧પ૦ મી જન્મજયંતિ વર્ષ ઉજવણી નિમિત્તે પોરબંદર કીર્તિમંદિરથી અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમ સુધી ગાંધી સંદેશ બાઇક યાત્રાનો આજે સવારે પ્રારંભ થયો છે.

વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયા સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં આજે સવારે બાઇક યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.  ગાંધી સંદેશ બાઇક યાત્રા પોરબંદરથી નીકળીને સાત જેટલા શહેર-જિલ્લામાંથી પસાર થઇને ગાંધી જયંતિએ રજી ઓકટોબરે અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમ પહોંચશે.

ગાંધીજીનો જન્મ ર ઓકટોબર ૧૯૬૯ના દિવસે થયેલ, તેમની જન્મ જયંતિના ૧પ૦માં વર્ષની ઉજવણી નિમિત્તે તેમનો સંદેશ ગામેગામ ફેલાવવા અને તેને નિમિત બનાવી જનસંપર્ક કરવા કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરાયું છે. પોરબંદરથી ગાંધીઆશ્રમ સુધીનો રૂટ ર૭પ કિ.મી. જેટલો થાય છે. તેની આગેવાની વિધાનસભાના વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણી સંભાળશે.

જયારે બીજી રેલી દાંડીથી ગાંધી આશ્રમ સુધીનો રૂટ ૪૦૦ કિ.મી. જેટલો થાય છે. તે રૂટની યાત્રાનું નેતૃત્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કરેશ. બન્ને રેલીમાં પ્રદેશ  તરફથી પ૦-પ૦ બાઇકસ્વાર યુવાનો જોડાશે. ઉપરાંત જે તે જિલ્લાના સ્થાનિક યુવાનો જોડાતા રેલી મોટી થઇ જશે. મુખ્ય માર્ગો ઉપરાંત નજીકના ગામડાઓમાં પણ રેલી કરશે. વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે તેવા ૩ થી ૪ મતક્ષેત્રો યાત્રાના રૂટમાં સમાવેશ થઇ જશે. બન્ને રેલી ૧ ઓકટોબરે રાત્રે અમદાવાદ પહોંચશે અને ઓકટોબર સવારે બન્ને રેલી અમદાવાદના જુદા જુદા વોર્ડમાં અલગ અલગ રીતે ફરી બપોર પછી ગાંધી આશ્રમ પહોંચશે ત્યાં સમાપન સમારોહ યોજાશે.

(2:37 pm IST)