Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

કચ્છ જિલ્લા પંચાયતમાં કાશ્મીર મુદ્દે કોંગ્રેસી સભ્યો ભડકયા- ભાજપના ૧૧ સભ્યોની ગેરહાજરી કે નારાજગી?

માત્ર કાગળ ઉપર જ રસ્તા રિપેરીંગના બિલ બની ગયા હોવાનો ધડાકો, ડીડીઓ દ્વારા મહિલા ચેરપર્સનોનું માન ન જળવાતું હોવાનો આક્ષેપ, કચ્છમાં ૫ હજાર બાળકો કુપોષિત

ભુજ, તા.૨૭: કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આ વખતે તોફાની બનશે એવો અંદાઝ તો હતો જ, પણ તેનું કારણ ભાજપના સભ્યોની નારાજગી હોવાનું ચર્ચામાં હતું. તેનું કારણ ડીડીઓ પ્રભવ જોશી અને જિલ્લા પંચાયતના બે સમિતિના મહિલા ચેરપર્સન સાથેનો વિવાદ મીડીયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા બાદ કચ્છ ભાજપમાં પણ રાજકીય ચર્ચાનો મુદ્દો બન્યો હતો. મહિલા ચેરપર્સનના પતિઓને જિલ્લા પંચાયતમાં કોઈ માહિતી નહિ આપવાનો ડીડીઓ આદેશ કર્યા બાદ સિંચાઈ સમિતિના ચેરપર્સન ભાવનાબા જાડેજાના પતિ પરેશસિંહ જાડેજા જાહેરમાં ડીડીઓની સામે આવી ગયા હતા. તેમણે આવા વર્તનને મહિલા ચેરપર્સનનું અપમાન ગણાવીને આરોગ્યના ફુલાબેન આહીરને પણ મળવાની ના પાડીને ડીડીઓ દ્વારા સન્માન ન જળવાયું હોવાનું આક્ષેપ કર્યો હતો. તો, ડીડીઓએ સિંચાઈ સમિતિના ચેરપર્સનની સરકારી ગાડી લઈ લેવાનો આદેશ કર્યો તે આદેશને પડકારીને ભાવનાબા પરેશસિંહ જાડેજાએ મુખ્યમંત્રી સુધી તેમ જ પાર્ટી લેવલે જિલ્લા કક્ષાએ પણ ઉગ્ર રજુઆત કરી હતી. વળી, આજે સામાન્ય સભા પૂર્વે ભાજપની પાર્ટી મીટીંગ પણ હતી. જોકે, પાર્ટી મિટિંગમાં સભ્યોની નારાજગી સાંભળવામાં પક્ષના હોદ્દેદારોને રસ ન હોવાનો ગણગણાટ ભાજપી સભ્યોમાં સાંભળવા મળ્યો હતો. પણ, ધારદાર પ્રશ્નો અને પ્રેસનોટ મોકલનાર ભાજપના સભ્યો સામાન્ય સભામાં શિસ્તના નામે ચૂપ બેસી રહ્યા હતા. જોકે, સામે પક્ષે કોંગ્રેસ ભારે આક્રમક રહી હતી. ભાજપની નારાજગી સામે કોંગ્રેસે ટોણો મારતા ગેરહાજર સભ્યોની સંખ્યા જાણવા માંગી હતી. જેમાં ૧૧ સભ્યો ગેરહાજર હોઈ કોંગ્રેસે ભાજપમાં એક સામટા સભ્યોની ગેરહાજરી તેમની નારાજગી હોવાનું જણાવીને રાજકીય રીતે ભીડવવા પ્રયાસ કર્યો હતો. આ સામાન્ય સભામાં ખનિજ રોયલ્ટીના ફંડ દ્વારા મળેલા ૫ કરોડ રૂપિયાના વિકાસ કામો મંજુર કરાયા હતા તેમ જ ડેમ રીપેરીંગ માટે બે કરોડ રૂપિયા ભંડોળમાં વધુ ૧ કરોડ રૂપિયાનો ઉમેરો કરીને ૩ કરોડ રૂપિયા મંજુર કરાયા હતા.

કલમ ૩૭૦ના કાશ્મીરના મુદ્દે કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસની સામે ભાજપના સભ્યો પણ આવી જતાં બન્ને વચ્ચે ઉગ્ર રાજકીય દલીલોને પગલે ભડકો થયો હતો. થોડીવાર તો સામાન્ય સભા કદાચ આ મુદ્દે જ વિખેરાઈ જશે એવુ લાગ્યું હતું. જોકે, પછી ડખ્ખો શાંત થયો હતો અને પ્રશ્નોતરી કાળ ચાલુ થયો હતો.

કોંગ્રેસ વતી વી.કે. હુંબલ, કિશોરસિંહ જાડેજા, તકીશા બાવા અને સલીમ જતે મોરચો સભાળીને ભ્રષ્ટાચાર તેમ જ ગેરવહીવટના મુદ્દે શાસક પક્ષ ભાજપને તેમ જ અધિકારીવર્ગને ભીંસમાં લીધો હતો. આ આક્ષેપો આક્રમક હતા અને એટલે, સુધી કે, ખુદ ડીડીઓ પ્રભવ જોશી પાસે જવાબ નહોતો માત્ર તપાસ કરીશું કહીને કોંગ્રેસી સભ્યોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. અબડાસામાં ૧ કરોડ ૫૭ લાખના ખર્ચે રોડ રિપેર કરાયા હોવાની માહિતીને કિશોરસિંહ જાડેજાએ રૂબરૂમાં પડકારીને કામ કર્યા વગર બિલ મંજુર કરાયા હોવાનો અને માત્ર માટી નાખીને મેટલના નામે બિલ બનાવાયા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો અને કચ્છમાં પ હજાર જેટલા બાળકો કુપોષિત હોવાનું કહ્યું હતું.

જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના ડખ્ખામાં અને પ્રશ્નોત્તરીમાં સતત અરવિંદ પિંડોરીયા દ્વારા કરાતી ટોકટોક સામે કોંગ્રેસના તમામ સભ્યોએ હલ્લાબોલ કર્યો હતો. કોંગ્રેસે વારંવાર જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢાને સવાલો કર્યા હતા કે, સભાના પ્રમુખ કોણ છે? તમે કે પિંડોરીયા? કોંગ્રેસી સભ્યોએ છેલ્લે એટલે સુધી કહી દીધું કે, હવે તમે પિંડોરીયાને જ સત્તા આપી દો. જોકે, અંતે ખુદ જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢાએ પણ અરવિંદ પિંડોરીયાને ટપાર્યા હતા તેમ જ કહ્યું હતું કે કોઈ પણ સભ્યો વચ્ચે બોલે નહીં. દરમ્યાન પ્રેક્ષક ગેલેરીમાં કોંગ્રેસના વર્તમાન નગરસેવક ફકીરમામદ કુંભાર અને પૂર્વ નગરસેવકો ગની કુંભાર તેમ જ મુસ્તાક હિંગોરજા દેખાયા હતા. તેમણે કચ્છ જિલ્લા પંચાયત ની જેમ જ ભુજ પાલિકાની સામાન્ય સભા ચાલવી જોઈએ અને પ્રશ્નોતરી થવી જોઈએ એવું મંતવ્ય વ્યકત કર્યું હતું. વન ટાઈમ પ્લાસ્ટિક યુઝ ઉપર પ્રતિબંધ મુકવાની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અપીલ અંગે કચ્છ જિલ્લા પંચાયતે ઠરાવ તો કર્યો પણ આ જ સભામાં દૂધ અને પાણી બન્ને પ્લાસ્ટિક બોટલમાં અપાતાં તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.

(11:28 am IST)