Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

મોરબીમાં ૧૫ વર્ષના બાળકની હત્યા

મોરબી, તા.૨૮:  મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે મટનના થડા ઉપર બેઠેલ સગીર વયના બાળકને માથાના ભાગે હથિયારોના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે મટનનો થડો ધરાવતા અને મોરબી નજીકના કાંતિનગર ગામે રહેતા અનવરભાઈ હાજી સીદ્દીક માલકીયાનો થડા ઉપર કાલે રાત્રીના એક વાગ્યા આસપાસ મૌવર સીદ્દીક અબ્બાસભાઈ (ઉ.વ.૧૫) બેઠો હતો ત્યારે અજાણ્યા શખ્સે તેના માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા ઝીંકતા માસુમ બાળકનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે થડાના માલિક અનવરભાઈની ફરીયાદના આધારે મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે પીએસઆઈ એમ.વી. પટેલે જણાવ્યુ હતું કે અનવરભાઈના મટનના થડા ઉપર બેઠેલ બાળકની હત્યા અંગે તપાસ ચાલી રહી છે. આ બાળક પાસે મોબાઈલ ફોન અને રૂપિયા ૮૦૦૦ હતા. જે ઘટનાસ્થળેથી મળી આવ્યા નથી. જેથી લૂંટના ઈરાદે માસૂમ બાળકની હત્યા થયાનું પ્રાથમિક તપાસમાં જોવા મળ્યુ છે. આ અંગે અજાણ્યા શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.

(4:08 pm IST)