Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

જુનાગઢમાં ભ્રષ્ટાચારના મુદે ભાજપ બહુ બદનામ થયોઃ વિજયભાઇએ સટાસટી બોલાવી બોર્ડ અટકાવ્યું

માત્ર પ વોર્ડની ચર્ચા થઇ, પેનલોનાં નામ બરાબર ન લાગતા ફરી ર૯મીએ બોલાવ્યા : મુખ્યમંત્રીનો આકરો ઠપકોઃ એક અગ્રણીને નામ જોગ ઝાટકતા પાર્લામેન્ટરી બોર્ડમાં સન્નાટો

રાજકોટ, તા., ર૭: જુનાગઢ મહાનગરપાલિકાની  ૬૦ બેઠકો માટે ર૧ જુલાઇએ યોજાનાર ચૂંટણી સંદર્ભે ગઇકાલે ગાંધીનગરમાં સ્થાનીક અગ્રણીઓ અને નિરીક્ષકોની હાજરીમાં પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળેલ. જેમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભ્રષ્ટાચારના મુદ્દે કેટલાક સ્થાનીક અગ્રણીઓને ઝાટકતા સન્નાટો વ્યાપી ગયો હતો. થોડા દિવસ પહેલા સાસણ ખાતે પાર્ટીના સ્થાનીક આગેવાનોને મુખ્યમંત્રીએ બોલાવેલ તે વખતે જુનાગઢમાં પાર્ટી અને કોર્પોરેશનમાં ચાલતી ભાજપની કામગીરી બાબતે તીવ્ર અસંતોષ વ્યકત કરેલ. ગઇકાલે પાર્લામેન્ટરી ર્બોર્ડમાં તેનું પુનરાવર્તન જોવા મળ્યું હતું. સંગઠનના એક સ્થાનીક અગ્રણીને મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચાર બાબતે નામજોગ ફટકારતા ચર્ચા જાગી છે.

ગઇકાલે ભાજપ દ્વારા સ્થાનીક કક્ષાએથી તૈયાર થયેલ ઉમેદવારોની પેનલોની ચર્ચા શરૂ થયેલ. પાંચ વોર્ડની ચર્ચા થઇ ત્યાં સુધીમાં બોર્ડને સ્થાનીક લોકોની ચુંટણીલક્ષી કસરત સંતોષકારક ન લાગતા ફરી પુરી તૈયારી સાથે તા.ર૯મીએ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ આવવા સુચના આપી હતી. ચર્ચા દરમિયાન સ્થાનીક સ્તરે પાર્ટીની બદનામીનો મુદ્દો ઉછળ્યો હતો. તમારા કારણે પાર્ટીની બહુ બદનામી થઇ છે તેવું મુખ્યમંત્રી એક તબક્કે બોલી ઉઠયા હતા. તેમનો ઇશારો કોર્પોરેશનના બહુચર્ચીત ભ્રષ્ટાચારને અનુલક્ષીને અમુક અગ્રણીઓ તરફ હતો.  સંગઠનના એક અગ્રણીને તો તેમણે રીતસર ખખડાવ્યા હતા.

પાર્લમેન્ટરી બોર્ડમાં રૂપાણી ઉપરાંત જીતુ વાઘાણી, ભીખુભાઇ દલસાણીયા, આર.સી.ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગોરધન ઝડફીયા, નિતીન ભારદ્વાજ, જવાહર ચાવડા, જયેશ રાદડીયા ઉપરાંત સ્થાનીક કક્ષાએથી કોર્પોરેશન અને સંગઠનના પદાધિકારીઓ  તેમજ અપેક્ષીત સ્થાનીક અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. સામાન્ય રીતે એક કોર્પોરેશનની ચર્ચા માટે પાર્લામેન્ટરી બોર્ડમાં ગણતરીની મીનીટો જ લેવાતી હોય છે પરંતુ જુનાગઢ માટે લાંબી ચર્ચા પછી પણ ફરી પાર્લામેન્ટરી બોર્ડ બોલાવવાની જરૂરીયાત ઉભી થઇ તે બાબત ઘણું કહી જાય છે. જુનાગઢમાં જુથવાદ અને ભ્રષ્ટાચારના મુદ્દે બદનામી સહિતના પડકારોથી હાઇકમાન્ડ ચિંતીત જણાય છે. તેમની ચિંતાનો ગઇકાલે બોર્ડમાં પડઘો પડયો હતો. કેટલાક લોકોએ સિનીયર અગ્રણીઓને ચુંટણીના મેદાનમાં ઉતારવા સુચન કર્યુ હતું. ઉમેદવાર પસંદગીની બાબતમાં ભાજપ નવાજુની સર્જે તો નવાઇ નહી.

(1:17 pm IST)