Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

સૌરાષ્ટ્રમાં વિજળી પડતા પાંચના મોતથી અરેરાટીઃ બે બાળકોને ઇજા

તસ્વીરમાં વિજળી પડતા મોતને ભેટેલ મૃતકો નજરે પડે છે.

રાજકોટ, તા., ૨૭: ગાજવીજ અને મેઘાવી માહોલ સાથે વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા જયારે સૌરાષ્ટ્રમાં વિજળી પડતા પાંચના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. જયારે બે બાળકોને ઇજા થઇ હતી.

ભાવનગર

ભાવનગરઃ ઘોઘા તાલુકાના વાળુકડ ગામે બપોરના સમયે વાડીએ કામ કરી રહેલ હંસાબેન જીવરાજભાઇ સુતરીયા (ઉ.વ.૬પ) અને રામુબેન ભીખાભાઇ (ઉ.વ.પ૦) ઉપર વીજળી પડતા હંસાબેનનું મોત નિપજયું હતું. જયારે રામુબેનને સારવાર માટે હોસ્પીટલ ખસેડાયેલ છે જયાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે.

વિજવાયર પડતા બળદનું મોત

ભાવનગર જીલ્લાના કઠવા ગામે રહેતા  ખેડુત રામભાઇ જહાભાઇ પરમાર બળદ ગાડુ લઇને પસાર થતા હતા ત્યારે વિજતંત્રનો જીવતો વાયર બળદ પર પડતા ઇલે. શોક લાગતા બળદનું મોત નિપજયું હતું.

વઢવાણ

વઢવાણઃ સાયલાના હડાળા ગામે રહેતા અને ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા પરીવારના સભ્યો મજુરની તંગીને કારણે એક બીજાના ખેતરે કામ કરવાની ઢાલ રાખતા હોય છે. દરમિયાન ગામમાં જ રહેતા ભાણેજ વહુ નિતાબેન જીલાભાઇ નંદીયાણીયાના ખેતરે ઢાલ હોય ખેતી કામ કરવા માટે ગયા હતા. સાંજના સમયે કામ કરીને તેઓ પરત ફરતા હતા. હડાળાથી મરડીયા જવાના રસ્તા પર તેઓ પસાર થતા હતા ત્યારે અચાનક જોરદાર કડાકા સાથે વિજળી પડી હતી. જેમાં ૩પ વર્ષના ભાણેજવહુ નીતાબેન અને પ૦ વર્ષના મામીજી ચંપાબેન ટપુભાઇ જેતપરાના મોત થયા હતા. બનાવને પગલે નાના ગામમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.

સાયલાના હડાળામાં રહેતા અરૂણ જીલાભાઇ સાદરીયા (ઉ.વ.૯) અને ભાવેશ ભરતભાઇ સાદરીયા (ઉ.વ.૧૧) સાંજે સાડા ચારેક વાગ્યે તેના ઘર નજીક વિજળી પડતા દોટ મુકી ભાગવા જતા પડી જતા ઇજા થઇ હતી. બંન્નેને સાયલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સાવરકુંડલા

સાવરકુંડલાઃ તાલુકાના ભેંડારા ગામે વીજળી પડતા ખેત મજુરનું મૃત્યુ થવાથી તાલુકાભરમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

આ અંગેના મળતા સમાચાર આજે તાલુકાભરમાં ગાજવીજ વરસાદ સુપડાધારે વરસ્યો હતો. જેમાં સાવરકુંડલા તાલુકાના ભેંકરા ગામે ખેડુત જરાભાઇ પ્રેમજીભાઇ બલદાણીયાના ખેતરમાં ખેતીકામ કરી રહેલા નગીનભાઇ બુધ્ધાભાઇ નાયક ઉ.વ.૩પ ઉપર વીજળી પડતા ઘટના સ્થળે મૃત્યુ નિપજેલ હતું. આ બનાવથી સમગ્ર તાલુકામાં અરેરાટીની લાગણી વ્યાપી જવા પામેલ હતી.

(1:16 pm IST)