Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

પાડોશી શખ્સનાં ખુની હુમલામાં ઘાયલ જૂનાગઢનાં ઝાંઝરડાની યુવતી ગંભીર

ઘરમાં ઘુસીને છરીનાં ઉપરાછાપરી ઘા માર્યા

જુનાગઢ તા. ર૭: પાડોશી શખ્સનાં ખૂની હુમલામાં ઘાયલ થયેલી જુનાગઢનાં ઝાંઝરડાની યુવતી ગંભીર હોવાનું જાણવા મળેલ છે.

આ બનાવની વિગતો એવી છે કે, જુનાગઢના ઝાંઝરડા ગામે પ્લોટ વિસતારમાં રહેલા મેર ભૂપતભાઇ હમીરભાઇ કેશવાલાનાં ઘરે ગઇકાલે સવારે પાડોશમાં રહેતો અનીલ ઉર્ફે કાનો બહાદુરભાઇ રાઠોડ નામના શખ્સે છરી સાથે ઘુસી આવ્યો હતો.

આ દરમ્યાન ભૂપતભાઇની દિકરી રિધ્ધિ (ઉ.વ. ૧૭) કંઇ સમજે કે વિચારે તે પહેલા અનીલ રાઠોડ તેની ઉપર છરી સાથે તુટી પડયો હતો.

આ હુમલામાં રિધ્ધિને પડખા તથા પીઠના ભાગે અને ગળાનાં ભાગે ગંભીર ઇજા થતા રિધ્ધિ લોહીલોહાણ થઇ ગઇ હતી. હુમલા બાદ અનીલ ઉર્ફે કાનો નાસી ગયો હતો.

યુવતિને જુનાગઢની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વિશેષ સારવાર માટે રાજકોટ ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

યુવતીના પિતા ભુપતભાઇ કેશવાલાની ફરિયાદ લઇ કલમ ૩૦૭, ૪પર અને ૧૩પ મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હુમલા પાછળનું કારણ બહાર આવેલ નથી. વિશેષ તપાસ તાલુકા પી.એસ.આઇ. જે. પી. ગોંસાઇ ચલાવી રહ્યા છે.

(1:15 pm IST)