Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

જૂનાગઢમાં ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને અક્ષરજ્ઞાન આપવા શિક્ષણયજ્ઞનો પ્રારંભ

જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા : કચરો વિણતા અને મજૂરીકામ કરતા વાલીઓના બાળકોના ઉજજવળ ભવિષ્ય માટે લેઉવા પટેલ મહિલા મંડળની બહેનો દરરોજ બે કલાક બાળકોને શિક્ષણ આપશે : શિક્ષણયજ્ઞના પ્રારંભે આગેવાનોના હસ્તે બાળકોને શૈક્ષણિક કિટ્સ અર્પણ કરાઇ

જૂનાગઢ તા.૨૭ : ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા તથા કચરો વિણતા અને મજૂરીકામ કરતા શ્રમિક વર્ગના વાલીઓના બાળકોના ઉજજવળ ભવિષ્ય માટે આ બાળકોને અક્ષરજ્ઞાન આપવાના શૈક્ષણિકયજ્ઞનો પ્રારંભ જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યો છે. આ કાર્યના પ્રારંભે ગરીબ બાળકોને હાજર આગેવાનોના હસ્તે દાતાઓના સહયોગથી શૈક્ષણિક કિટસ અર્પણ કરાઇ હતી. મહિલા મંડળના બહેનો દરરોજ બે કલાક વિનામુલ્યે શિક્ષણ આપશે.

જૂનાગઢ જિલ્લામાં સમુહલગ્ન, સિલાઇમશીન વિતરણ, વૃક્ષારોપણ, ગામેગામ સમાજવાડી, ખેતીના ઉત્કર્ષ, પર્યાવરણનું જતન, જરૂરીયાતમંદ લોકોને સહાય વગેરે જેવા પરોપકારના કાર્યો કરતી સંસ્થા જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા હવે શિક્ષણનું અભિયાન હાથ ધરાયુ છે. જૂનાગઢના સકકરબાગ પાસે આગેલ ઝુંપડપટ્ટીમાં સંસ્થાના માર્ગદર્શક હરસુખભાઇ વઘાસિયાની પ્રેરણાથી કોઇ બાળકો શિક્ષણથી વંચીત ન રહી જાય તેવા આશય સાથે આ કાર્યનો પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે હાજર રહેલ આગેવાનો કરશનભાઇ ધડુક, નાગભાઇ વાળા, વિજયાબેન લોઢીયા, મનસુખભાઇ વાજા વગેરેએ સંસ્થાની આ પ્રવૃતિને બિરદાવી હતી.

આગેવાનોના હસ્તે બાળકોને સ્કુલબેગ, સ્લેટ, પેન, વોટરબેગ, લંચબોક્ષ, નાસ્તો વગેરેની કિટસ અપાઇ હતી. મહિલા મંડળ પ્રમુખ પ્રિતીબેન વઘાસીયાના નેજા હેઠળ દરરોજ મંજુબેન પટેલ, જયોતીબેન સાવલીયા, હર્ષાબેન વગેરે બહેનો બાળકોને સાંજે ૪ થી ૬ બે કલાક સુધી શિક્ષણ આપવા જશે. આ કાર્યમાં સેવા આપવા માગતી બહેનો તન મન ધનથી સહયોગ આપવા માંગતા લોકોએ સંસ્થાનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

આજના સમયમાં ભણતરનું ખૂબ જ મહત્વ છે. શિક્ષણ વગર વ્યકિત, પરિવાર, સમાજ કે રાષ્ટ્રનો ઉત્કર્ષ શકય નથી. ત્યારે જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના ઝુંપડપટ્ટીના બાળકોને શિક્ષણ આપવાની એક નવતર પહેલ કરાઇ છે. આખો દિવસ કચરો વિણતા, મજૂરી કામ કરતા અને પરિવારના બે છેડા ભેગા કરવા માટે મહેનત કરતા બિચારા લોકો પોતાના બાળકોને અભ્યાસ પ્રત્યે ધ્યાન આપી શકતા નથી. ત્યારે આવા લોકોના બાળકોનુ ભવિષ્ય ધુંધળુ ન બને અને વારસામાં મજૂરીકામ ન મળે તેવા આશયથી મહિલા મંડળના બહેનો શિક્ષણકાર્ય કરાવશે. જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ થવું એ જ સાચો માનવધર્મ છે.

(11:48 am IST)