Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

પોરબંદરમાં ઓપન ગુજરાત પર્સનાલીટી ડેવલપમેન્ટ કોમ્પીટીશન ફોર બ્લાઇન્ડ સ્પર્ધા યોજાઇ : વિજેતાઓને ઇનામો

પોરબંદર તા.૨૭ : શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુલ પોરબંદર છેલ્લા ૬ દાયકાથી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને શિક્ષણ અને સંસ્કાર આપની સંસ્થાના ૬૦ માં સ્થાપના દિનની ઉજવણીરૂપે સ્થાપક સ્વ.દેવજીભાઇ જે.ખોખરીની સ્મૃતિમાં ઓપન ગુજરાત પર્સનાલીટી ડેવલપમેન્ટ કોમ્પીટીશન ફોર ધ બ્લાઇન્ડની સ્પર્ધાનું ગુજરાત રાજયમાં સૌપ્રથમ આયોજન કરાયેલ. આ સ્પર્ધામાં ભાગ લેવા સમગ્ર ગુજરાત રાજયના ૧૮ થી ૩૦ વર્ષની વયજૂથના પ્રજ્ઞાચક્ષુ યુવાનો અને યુવતીઓ વિશાળ સંખ્યામાં ઉમંગ અને ઉત્સાહ સાથે જોડાઇ પ્રજ્ઞાચક્ષુ હોવા છતા પોતાના જાજરમાન વ્યકિતત્વનો પરિચય કરાવતા સ્ટેજ ઉપર આવેલ અને વ્યકિતત્વથી અચંબામાં પાડી દીધા હતા. આ વિશિષ્ટ સ્પર્ધામાં સ્પર્ધકોને સ્ટેજ પર બોલાવી તેના બાહ્ય વ્યકિતત્વ ઉપરાંતવિવિધ પ્રકારની પ્રશ્નોતરી દ્વારા તેના આંતરીક વ્યકિતત્વનું મુલ્યાંકન કરવામાં આવેલ અને ભાઇઓના વિભાગમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય તેમજ બહેનોના વિભાગમાં પણ પ્રથમ, દ્વિતીય અને તૃતિય વિજેતા સ્પર્ધકો જાહેર થયા હતા.

ગુજરાતમાં સૌપ્રથમ યોજાયેલ આ સ્પર્ધામાં બહેનોમાં પ્રથમ જયશ્રી અમરાભાઇ બાલસરા (ગામ માળીયા હાટીના), દ્વિતીય સામ્રાજ્ઞી પરમાર (રાજકોટ) અને તૃતિય દિવ્યા સોલંકી (પોરબંદર) વિજેતા જાહેર થયેલ અને ભાઇઓમાં પ્રથમ રોનક ગોહેલ (પોરબંદર), દ્વિતીય મેહુલ હિંડોચા (પોરબંદર) અને તૃતીય ખુશાલ સલેટ (પોરબંદર) વિજેતા થયેલ.

સંસ્થાના ૬૦માં સ્થાપના દિન ઉજવણી કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને પોરબંદર કલેકટર મુકેશભાઇ મોદી, મુખ્ય મહેમાનપદે જીલ્લા અિૅધક કલેકટર મહેશભાઇ જોશી, અતિથિ વિશેષ તરીકે લાયન્સ કલબ ઓફ પોરબંદરના હિરલબા જાડેજા, રોટરી કલબ ઓફ પોરબંદરના પ્રમુખ ડો.પુષ્પાબેન ડાયલાણી, લાયોનેશ કલબ ઓફ પોરબંદરના પ્રમુખ જયોતીબેન મસાણી તેમજ ડો.સુરેશભાઇ ગાંધી, જતીનભાઇ હાથી, શેઠશ્રી બાબુભાઇ ખોખરી તેમજ શહેરના નાગરીકો પ્રજ્ઞાચક્ષુ બાળકોને પ્રોત્સાહીત કરવા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

સંસ્થાના ૬૦માં સ્થાપના દિન નિમિતે જીલ્લા અધિક કલેકટર મહેશભાઇ જોશીએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવેલ કે આજના વિકાસશીલ યુગમાં પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ વ્યકિતઓને માનવીય અભિગમ સાથે રોજગારી આપવી આર્થિક રીતે તેઓને સ્વાવલંબી બનાવવા અને સંવેદનશીલ યોજનાઓના લાભો પ્રત્યેક દિવ્યાંગ વ્યકિત સુધી પહોચે તે માટે વહીવટીતંત્ર જાગૃત છે તેમ જણાવ્યુ. પ્રમુખ સ્થાને સંબોધતા મુકેશભાઇ પંડયાએ જણાવ્યુ કે ગુજરાતની સૌપ્રથમ યોજાયેલ આ સ્પર્ધામાં ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ, પોરબંદર ટ્રસ્ટી મંડળ અને સંસ્થાના સ્થાપક આયોજક સ્થાપક પરિવારના કમલેશભાઇ દેવજીભાઇ ખોખરીને પિતાશ્રીની સ્મૃતિમાં આ વિશિષ્ટ સ્પર્ધા યોજેલ જે અંગે વિશેષ અભિનંદન આપેલ. તેમના હસ્તે દરેક વિજેતા સ્પર્ધકને પુરસ્કાર આપી સન્માનીત કરેલ અને જણાવ્યું કે કુદરત એક ક્ષતિ સામે અનેક નવી શકિત આપે છે ત્યારે દિવ્યાંગો પણ આજે પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે તે અંગે આનંદની લાગણી અનુભવી વિજેતા સ્પર્ધકોના મંતવ્યો જાણી તેઓશ્રીએ જણાવેલ કે દેશમાં સંવેદનશીલ સરકાર દિવ્યાંગો માટે પણ અનેક કાયદાઓ બનાવી તેઓના વિકાસ માટે સરકાર ખૂબ જાગૃત છે જરૂર પડયે મદદરૂપ થવાની ખાત્રી આપેલ અને તમામ વિજેતાઓને અભિનંદન સહિત ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવેલ.

લાયન્સ કલબના નવનિયુકત મહિલા પ્રમુખ હીરલબાએ જણાવેલ કે વ્યકિતત્વ વિકાસ એ શું બાબત હોઇ શકે તેનુ જીવંત ઉદાહરણ જોવુ હોય તો આ પ્રજ્ઞાચક્ષુ ભાઇ બહેનો છે તેઓએ પોતાની એક ક્ષતિને વિસરી જોમ અને જુસ્સા સાથે ધબકતા આત્મવિશ્વાસથી પોતાના વ્યકિતત્વનો સૌને પરિચય કરાવ્યો. આવા કાર્યક્રમના માધ્યમથી જ દિવ્યાંગ વ્યકિતઓ તરફનો સમાજનો દ્રષ્ટિકોણ બદલાવી શકાય છે તેઓએ વિજેતા તમામ સ્પર્ધકોને અભિનંદન અને જીવનની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવેલ.

પ્રારંભમાં સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના રજૂ કરાઇ ત્યારબાદ ઉપપ્રમુખ ડો.સુરેશભાઇ ગાંધીએ મહેમાનોનું શાબ્દીક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ.સંસ્થાના સેક્રેટરી કમલેશભાઇ દેવજીભાઇ ખોખરીએ સંસ્થા પરિચય અને સ્પર્ધાઓનો હેતુ તેમજ પોતાના પિતાશ્રી સ્વર્ગસ્થ દેવજીભાઇ જેઠાભાઇ ખોખરી દ્વારા ૧-૬-૧૯૬૦ના રોજ સ્થાપવામાં આવેલ સંસ્થાએ હજારો પ્રજ્ઞાચક્ષુ ભાઇ બહેનોને શિક્ષણ તાલીમ આપી માન સન્માન સાથે આર્થિક રીતે પગભર બની જીવન જીવી રહ્યા છે જે સંસ્થા માટે આનંદ અને ગૌરવની વાત છે.

સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોએ પોતાના મંતવ્યોમાં જણાવેલ કે આવા ક્રાંતીકારી વિચારો સાથે આ સંસ્થા દ્વારા રાજયમાં સૌપ્રથક વખત પર્સનાલીટી ડેવલપમેન્ટ કોમ્પીટીશન ફોર ધ બ્લાઇન્ડની સ્પર્ધાનું આયોજન વ્યકિતત્વના વિકાસ માટે ખૂબ જ માર્ગદર્શન મળ્યુ છે. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પોતાની ઉમદા સેવા આપનાર નિર્ણાયકશ્રીઓ અનામ સાગર, જયોતીબેન મસાણી, ડો.રજનીબેન ગોહેલ અને પુષ્પાબેન જોશીએ પ્રત્યેક સ્પર્ધકોના વ્યકિતત્વ વિકાસના આગવા પરિબળોની માહિતી મેળવી વિજેતા સ્પર્ધકોને જાહેર કરાયેલ. તેમની આ અનન્ય સેવા બદલ સંસ્થા તરફથી આભારની લાગણી વ્યકત કરાઇ.

સંસ્થાના જોઇન્ટ સેક્રેટરી જતીનભાઇ હાથીએ ઉપસ્થિત સર્વે મહાનુભાવોનો આભાર વ્યકત કરી બે દિવસના કાર્યક્રમમાં વોલીયન્ટર્સની સેવા આપવા બદલ શ્રી મોઢા કોલેજના ટ્રસ્ટીગણ અને વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકગણ, સ્પર્ધાના સ્પર્ધકો, નિમંત્રીત મહેમાનો અને સંસ્થાના સ્ટાફ મિત્રોનો આભાર વ્યકત કરી કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવેલ.

(11:41 am IST)