Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

મોરબીમાં જમીનના ડખ્ખામાં ભરત મકવાણાને મામાએ પાઇપથી ફટકાર્યો

ધૂળકોટથી આવી ઘરમાં ઘુસી હુમલોઃ પગ ભાંગી ગયો

રાજકોટ તા. ૨૭: મોરબીમાં રોહીદાસપરામાં રહેતાં ભરતભાઇ નાનજીભાઇ મકવાણા (ઉ.૩૭) નામના યુવાનને તેના સગા મામા દેવજીભાઇ ડાયાભાઇ વાઘેલા અને મામાના દિકરાઓએ ઘરે આવી પાઇપથી હુમલો કરી માર મારતાં પગ ભાંગી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે મોરબી જાણ કરી હતી. ભરતભાઇના કહેવા મુજબ તે મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેના માતા ભાનુબેને ધુળકોટ રહેતાં ભાઇ દેવજીભાઇ સાથે જમીનના ભાગ બાબતે વાત કરી હોઇ તે બાબતે મનદુઃખ થતાં દેવજીભાઇ સહિતનાએ ઘરે આવી ઝઘડો કરતાં પોતે વચ્ચે પડતાં પોતાના પર પાઇપથી હુમલો કરાયો હતો. મોરબી પોલીસે તેની ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

(11:41 am IST)